અરુણાચલ પ્રદેશમાં ૩.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

ઇટાનગર : અરુણાચલ પ્રદેશમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે ૬:૩૪ વાગ્યે પશ્ર્ચિમ કામેંગ જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૨ માપવામાં આવી હતી અને તે ૩૩ કિમીની ઊંડાઈએ આવ્યો હતો.ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાની અહેવાલ નથી. પશ્ર્ચિમ કામેંગ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ અગાઉ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ૨૮ મે ના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂસ્તર શાસ્ત્રીઓના કહેવા પ્રમાણે મેલબોર્નમાં ૩.૮ની તીવ્રતા ધરાવતો આંચકો અનુભવાયો હતો અને ૧૨૦ વર્ષના ઈતિહાસમાં અનુભવાયેલો ભૂકંપનો આ બીજા ક્રમનો સૌથી તીવ્ર આંચકો હતો. ૨૨૦૦૦થી વધારે લોકોએ ભૂકંપની જાણકારી મેળવવા માટે સબંધિત એજન્સીનો સંપર્ક સાધ્યો હતો. ભૂકંપના આંચકા પાંચ થી દસ સેકન્ડ સુધી અનુભવાયા હતા. ઓસ્ટ્રેલિયાના ટાપુ રાજ્ય હોબાર્ટમાં પણ લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. ભૂકંપનો અનુભવત કરતા વિડિયો પણ આ દરમિયાન લોકોએ વાયરલ કર્યા હતા.