રાજકોટ, બિપોરજોય વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. તમામ સરકારી અધિકારી કર્મચારીઓની રજા કેન્સલ કરી સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે વધુ પડતી અસર થાય તો તેને પહોંચી વડવા માટે ખાસ કોસ્ટગાર્ડ દ્વારા રાજકોટ એરપોર્ટ ખાતે ૨ હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. જરૂર પડ્યે તેને જે તે સ્થળે મોકલવામાં આવશે.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની દહેશત ના પગલે રાજ્ય સરકારની સૂચના મુજબ વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. આજે તમામ અધિકારીઓ કર્મચારીઓની રજા કેન્સલ કરી બધાને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ઉપર પણ ચેકિંગ કરી દેવામાં આવ્યું છે. અને હોસ્પિટલ તેમજ પોલીસ સ્ટેશન પણ એલર્ટ મોડ પર આજથી રાખવા સૂચના આપવામાં આવી છે.
બિપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને ટકરાય તેવી પૂરેપૂરી શક્યતાને ધ્યાને રાખી કોસ્ટગાર્ડ, એન.ડી.આર.એફ. સહિતની ટીમ સતર્ક બની છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પણ એરપોર્ટ પર કોસ્ટગાર્ડના ૨ હેલિકોપ્ટર આવી ચૂક્યા છે. જેઓ પાંચ દિવસ સુધી એટલે કે આગામી ૧૫ જૂન સુધી રાજકોટમાં સ્ટેન્ડ બાય રહેશે. વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ટકરાય અને ભારે વરસાદ કે વાવાઝોડામાં કોઈ સાય તો રાહત બચાવ માટે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર ત્યાં પહોચી જશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે માટે અન્ય જિલ્લાઓને કોઈ મદદની જરૂર પડશે તો તેનું પણ મેનેજમેન્ટ કરી મદદ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારની જે કોઈ સૂચના આવશે તે મુજબ કામગીરી કરવામાં આવશે.