વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમનો ભારત આવવા માટેનો રસ્તો સાફ

મુંબઇ, એશિયા કપની મેજબાની બાબતે બીસીસીઆઇ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ દૂર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ટુર્નામેન્ટના આયોજનનો રસ્તો સાફ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાન ક્રિકેડ બોર્ડે રજૂ કરેલ હાઈબ્રિડ મોડલને એશિયન ક્રિકેટ કાઉન્સિલની મંજૂરી મળી ગઈ છે. જેની વર્લ્ડ કપ પર અસર જોવા મળશે. વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમનો ભારત આવવા માટેનો રસ્તો સાફ થઈ ગયો છે.

૧૩ જૂનના રોજ કાઉન્સિલ તરફથી ટુર્નામેન્ટના હાઈબ્રિડ મોડલ પર અધિકૃત જાહેરાત કરવામાં આવશે. જેમાં પાકિસ્તાન તથા શ્રીલંકામાં એશિયા કપનું આયોજન કરવા બાબતે મંજૂરી આપવામાં આવશે. સપ્ટેમ્બરમાં આ ટુર્નામેન્ટનું આયોજન થઈ શકે છે.

રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાને પાકિસ્તાનમાં એશિયા કપની ૪ મેચ રમવાની રજૂઆત કરી હતી, જેને મંજૂરી મળી શકે છે. આ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમવામાં આવશે. પાકિસ્તાન-નેપાળ, અફઘાનિસ્તાન-શ્રીલંકા, બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન અને શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચે મેચ રમવામાં આવશે. બાકી રહેલ મેચ શ્રીલંકામાં રમવામાં આવશે. ભારતીય ટીમ તમામ મેચ શ્રીલંકામાં રમશે. ફાઈનલ મેચ પણ શ્રીલંકામાં રમવામાં આવશે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાનની એશિયા કપ બાબતે હાઈબ્રિડ રજૂઆતને મંજૂરી મળતા વન ડે વર્લ્ડ કપમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી નહીં થાય. ઓક્ટોબર-નવેમ્બરમાં થનાર ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનની ટીમ ભારત આવશે. આ વિવાદનું નિરાકરણ આવ્યા પછી વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર થવામાં વધુ સમય નહીં લાગે. આગામી સપ્તાહ સુધીમાં ઔપચારિક જાહેરાત થઈ શકે છે.