યુક્રેનને હથિયાર પૂરા પાડી રહેલા પાકિસ્તાનને રશિયા સાથે પણ સબંધ મજબૂત કરવા છે

ચીન, પાકિસ્તાનની આ બેવડી નીતિ દુનિયા સમક્ષ ખુલ્લી પડેલી છે ત્યારે દેશના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, પાકિસ્તાન આ યુદ્ધમાં તટસ્થ છે. પાકિસ્તાન તમામ દેશો સાથે સારા સબંધો રાખવા માંગે છે પણ મારી ઈચ્છા છે કે, રશિયાની સરકાર સાથે અમારા સબંધ વધારે મજબૂત બને. રશિયા સાથે અમારે સહયોગ વધારવો છે.

બિલાવલે આપેલા આ નિવેદન પહેલા પાકિસ્તાની સેનેટના ચેરમેન સાદિક સંજરાનીએ રશિયાને લઈને ટિપ્પણી કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાનના વેપારી તેમજ ઉદ્યોગ સમુદાયે રશિયા સાથે વેપારી સબંધો વિક્સાવવામાં રસ દાખવ્યો છે. બિલાવલના નિવેદન પાછળનુ કારણ પણ કદાચ આ જ હોઈ શકે છે.

બિલાવલે ચીન સાથેના સબંધો પર કહ્યુ હતુ કે, ચીન અને પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના માધ્યમથી એક બીજાની સાથે જોડાયેલા છે. આ પ્રોજેક્ટ મારફતે પાકિસ્તાનની માળખાકિય સુવિધાઓની યોજનાઓ પૂરી થઈ રહી છે. પાકિસ્તાનને પણ વિકાસનો અધિકાર છે અને ચીન પાકિસ્તાનને આ માટે મદદ કરી રહ્યુ છે.