ઇસ્લામાબાદ, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતમાં શનિવારે ભારે વરસાદને કારણે ૨૮ લોકો મૃત્યુ પામ્યા અને ૧૪૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. વરસાદને કારણે અનેક મકાનો, વૃક્ષો ધરાશાયી તથા વીજળીના થાંભલા પણ પડી ગયા હતા. વડાપ્રધાન શાહબાઝ શરીફે મોટી જાનહાનિ પર ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદ અને કરા પડવાને કારણે ખૈબર પખ્તુનખ્વાના બન્નુ, લક્કી મારવત, ડેરા ઈસ્માઈલ ખાન અને કરક જિલ્લામાં ૨૫ લોકોના મોત અહેવાલ મળ્યા છે. પંજાબના ખુશાબ જિલ્લાના એક ગામમાં, ઘરની દિવાલ ધરાશાયી થતાં ત્રણ છોકરીઓ કચડાઈને મૃત્યુ પામી હતી. રાહત અધિકારી ખતીર અહેમદે જણાવ્યું કે ઘાયલોને તાત્કાલિક રાહત આપવામાં આવી રહી છે.
ગત વર્ષે પણ પાકિસ્તાનમાં ચોમાસાના વરસાદ બાદ આવેલા પૂરે ભારે તબાહી મચાવી હતી અને ૧૭૦૦ થી વધુ લોકોના જીવ લીધા હતા અને ત્રણ કરોડથી વધુ લોકોને અસર કરી હતી. લાખો લોકોને પણ વિસ્થાપિત થવું પડ્યું હતું.