ગરબાડાના પાટીયા ઝોલ ગામે 62 વર્ષીય વૃધ્ધની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ

દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે 62 વર્ષીય વૃધ્ધ વ્યક્તિ તીક્ષ્ણ હથિયારથી ઘા મારી ઘટના સ્થળ પરજ વૃધ્ધને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે. પ્રાથમીક તપાસમાં પોલીસની સામે પારિવારિક અણ બનાવને પગલે વૃધ્ધની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસે કેટલાંક વ્યક્તિઓ ઉપર શંકા જતાં તેઓની પુછપરછ પણ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ જીલ્લામાં લગભગ પંદર દિવસની અંદર 06 જેટલા મર્ડરના બનાવો બની ચુક્યાં છે. દાહોદ જીલ્લામાં ક્રાઈમ વધી રહ્યું છે. સુરક્ષાના નામે દાહોદ જીલ્લામાં જાહેર જનતામાં ચિંતા પણ જોવા મળી રહી છે. ત્યારે વધુ એક હત્યાના બનાવને પગલે જીલ્લાભરમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે બારીયા ફળિયામાં રહેતાં 62 વર્ષીય ચેનાભાઈ કોદરભાઈ બારીયા આજરોજ પોતાના ઘરમાં હાજર હતા. તે સમયે કોઈક ઈસમ દ્વારા ચેનાભાઈ ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે શરીરે ઉપરા છાપરી ઘા મારી ઘટના સ્થળ પરજ ચેનાભાઈનું મોત નીપજાવી હત્યારો ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર પરિવારજનો સહિત ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસ સહિત જીલ્લાના ડીવાયએસપીને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતકના મૃતદેહની નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતા. ત્યારે મળતી માહિતી પ્રમાણે આ હત્યા પારિવારીક અણબનાવોને કારણે થઈ હોવાનું પ્રાથમીક તબક્કે પોલીસને લાગી રહ્યું છે. જેને પગલે કેટલાંક શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસ દ્વારા પુછપરછ પણ કરવામાં આવી રહી છે.