- બાળ સમિતિએ માતા-પિતાને કબજો સોંપવાનું કહેતા નેપાળથી આવ્યા.
- દાહોદ ખાતે સબંધીને ત્યા આવેલો બાળક મજૂરીમાં જોતરાઇ ગયો : માતા -પિતા આવતા કબજો સોંપાયો.
દાહોદ, દાહોદ શહેરમાં એક હોટલમાંથી સાત બાળ મજુર પકડાયા હતાં. તેમાંથી 1 રાજસ્થાન, 2 પાલનપુર, 1 નેપાળ અને 3 દાહોદના હતાં. દાહોદના બાળકોના વાલિઓ મળી આવતાં તેમનો કબજો સોંપી દેવામાં આવ્યો હતો. જોકે, નેપાળી 16 વર્ષિય કિષ્ણા બુઢા સબંધિને ત્યાં રહેવા આવ્યા બાદ મજુરીમાં જોતરાયો હોવાનું તપાસ બાદ સામે આવ્યુ હતું. ત્યારે ક્રિષ્ણાનો કબજો તેના માતા-પિતાને જ સોંપવામાં આવે તેવું બાળ કલ્યાણ સમિતિ દ્વારા નક્કી કરાયુ હતું.
તેના માતા-પિતાનો સંપર્ક કરવામાં આવતાં નેપાળના ચિસાયની બાંકે ગામના રહેવાસી પિતા નૈનસરા બુઢા અને માતા નૈનાબેન નેપાળથી દાહોદ દોડી આવ્યા હતાં. અહીં બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોનીને નેપાળના ક્રિશ્ર્નાના તમામ ડોક્યુમેન્ટ બતાવવામાં આવ્યા હતાં. ત્યારે ખાત્રી થયા બાદ ક્રિશ્ર્નાનો કબજો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.
બાળક પાસે બાળ મજુરી કરાવવી એ ગુનો બને છે, તે સહિતની બાબતો સમજાવવા સાથે ક્રિશ્ર્નાનું વર્તન અસંતોષકારક હોય તો તરત સમિતિને જાણ કરવા સાથે તેને ભણાવવા અને ભરણ પોષણની યોગ્ય વ્યવસ્થા સાથે ક્રિશ્ર્ના તેમના હવાલા અને નિયંત્રણમાંથી બહાર જશે તો તાત્કાલિક અસરથી સમિતિને જાણ કરવાની બાંહેધરી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બાળ અને તરૂણ શ્રમિક (પ્રતિબંધ અને નિયમન) ધારો-1986 અન્વયે બાળમજૂરી કરાવનાર સંસ્થા માલિકને 2 વર્ષની કેદની સજા અને દંડની પણ જોગવાઈ છે.