મધ્ય ગુજરાતનું ગોધરા હવે મેડિકલ હબ બનવાની દિશામાં આગવું સ્થાન ધરાવે તો નવાઈની વાત નહિં, કારણ કે જિલ્લામાં મેડિકલ કોલેજની સાથે તમામ પ્રકારની તબીબી અને સર્જરીની સુવિધાઓ ધરાવતી ગુજરાત સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ ગોધરા ખાતે બનીને તૈયાર થઈ છે. આજરોજ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરાયું હતું. આ વેળાએ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, સાંસદ સભ્ય સહિત ધારાસભ્યઓની હાજરીમાં આ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરાયું હતું.
હોસ્પિટલ તરફથી આયોજીત કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, હવે પછી અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓની સારવાર માટે વડોદરા-અમદાવાદ કે અન્ય ક્યાંય જવું પડશે નહીં અને ઘરઆંગણે જ ઝડપી સારવાર મળવાથી કટોકટીના સંજોગોમાં દર્દીની અમૂલ્ય જીંદગી બચવાની સાથે તેમને નવજીવન પ્રાપ્ત થશે. આ હોસ્પિટલ થકી તમામ વિભાગોની સારવાર ઘર આંગણે જ મળી રહેશે. તેમણે આદિવાસી બાંધવો માટે અમૂલ્ય તબીબી સેવાઓ આપનાર ડૉ.વાય.એમ ભરપોડા તથા પ્રજ્ઞેશ ભરપોડા અને તેમના પરીવારને શુભેચ્છાઓ પાઠવીને જાહેરમંચ પરથી સન્માન કરીને બિરદાવ્યા હતા.
ગોધરા ખાતેની ગુજરાત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની આ શાખામાં કાર્ડિયોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ જેમ કે,હ્રદયરોગ- કિડનીના રોગોનો વિભાગ, અદ્યતન આઈ.સી.યુ. ગેસ્ટ્રો એન્ટરોલોજિસ્ટ (પેટ અને આંતરડાને લગતી તકલીફોનો સારવાર વિભાગ), ડાયાલિસીસ, કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગ, પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જરી વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, દાઝેલા દર્દીઓની સારવાર માટેનો અલગ બર્ન્સ વિભાગ, ચોવીસે કલાક અને સાતેય દિવસ ઈમરજન્સી સારવાર વિભાગ, ઈમરજન્સી માટેના ડોક્ટર્સ જેમણે ઇન્ટેન્સિવિસ્ટ કહેવાય તેવા ડોક્ટર્સ ખડે પગે સતત 24 કલાક કાર્યરત રહેશે. બ્રેઈન સ્પાઈનલ – મગજ અને કરોડરજ્જુના વિશેષ ખ્યાતનામ અને નિષ્ણાત તબીબોની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તદ્દઉપરાંત, કેસરના રોગોની સારવાર માટે અહીં અલાયદો વિભાગ પણ ઊભો કરવામાં આવ્યો છે, જેનો લાભ આ વિસ્તારની પ્રજાને ઘરઆંગણે સરળતાથી મળી રહેશે.