- મન હોય તો માળવે જવાયની કહેવતને પોતાની અથાગ પ્રયત્નો થી સાર્થક કરતો ચિરાગ કલાલ.
- દાહોદ જીલ્લામાં સહુ પ્રથમ કોઈ ખેલાડી ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી રમતા દાહોદ જીલ્લાનું ગૌરવ વધારતો ચિરાગ કલાલ.
દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના નાના ગામ ગરાડુનો રહેવાસી ચિરાગ કલાલ નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ, તેની ક્રિકેટ રમવાની ઘેલછાને લઈ તેના પિતા હરીશ કલાલ દ્વારા તેના ઘરના આંગણામાં જ ક્રિકેટ રમવા માટે તેમજ પ્રેક્ટિસ કરવા માટે પીચ બનાવી આપવામાં આવી. ચિરાગના પિતા જાતે પણ ક્રિકેટ રમવાને લઈ ખૂબ જ ઉત્સાહિત હતા અને તેઓ પણ ગુજરાત તેમજ ગુજરાત બહાર કેટલીય જગ્યાએ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા જતા અને તેઓ પણ ગુજરાત ક્રિકેટ એસોસિએશન માંથી રમવા પ્રયત્ન કરતા તેઓ આ સપનું પૂરૂં કરવા માટે પોતાના દીકરા ચિરાગ કલાલને કોઈ પણ કમી રહેવા દેતા ન હતા. હાલ ચિરાગ ગોધરાના કિશોરભાઈના ક્લબ માંથી ક્રિકેટ રમતો હતો.
ચિરાગ કલાલને ખૂબ જ મહેનત થી ગુજરાત એસોસિએશન તરફથી રમવાનો મોકો મળ્યો છે. તે દરેક ક્રિકેટર માંથી નવું નવું શીખે છે, પરંતુ તે રવિન્દ્ર જાડેજા થી વધુ પ્રભાવિત થઈ તેને અનુસરે છે. ચિરાગ કલાલ ક્રિકેટને પોતાનું જીવન માનતો હોઈ તે પોતાનો મહત્તમ સમય ક્રિકેટ પાછળ આપતો હતો. તે દિવસ હોય કે રાત જ્યારે પણ સમય હોય પોતાની ઘરે ક્રિકેટની પ્રેક્ટિસ જ કરતો રહેતો હતો.
ચિરાગ કલાલને ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી રમવાનું આમંત્રણ મળતા ચિરાગ કલાલના પરિવારજનો પર સતત શુભેચ્છાઓ આપતા મેસેજો સોશિયલ મીડિયા પર ફરતા થઈ ગયેલ હતા અને સતત લોકો તેને ઝાલોદ નગરનું ગૌરવ કહી શુભેચ્છાઓ આપતા મેસેજો ફરતા થઈ ગયેલ હતા. દાહોદ જીલ્લા માંથી સહુ પ્રથમવાર ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફ થી મોટેરા સ્ટેડિયમ ખાતે ક્રિકેટ રમવા કોઈ ખેલાડીને આમંત્રણ આપવામાં આવેલ છે. તે દાહોદ જીલ્લા માટે ગર્વની વાત છે.
ચિરાગ કલાલના પિતા હરીશ કલાલના કહેવા મુજબ એક વર્ષ અગાઉ તેમનો પુત્ર મોટેરા ખાતે સેલ્ફી લેવા ગયો હતો. ત્યારે ત્યાં ગ્રાઉંડના ચોકીદારે તેને સેલ્ફી લેવાની ના પાડી હતી અને તેને અંદર ગ્રાઉંડ પર જવાની ના પાડી હતી. ત્યારે તેણે મનમાં દ્રઢ સંકલ્પ કર્યો હતો કે,આજે ભલે આ ચોકીદારે મને ના પાડી છે પણ હું ગુજરાત ક્રિકેટ એસોસિએશનના કહેવાથી મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં રમવા જરૂર આવીશ અને જો તે વખતે તે ચોકીદાર ત્યાં નોકરી કરતા હશે તો હું ચોક્કસ તેમને મળીશ. ત્યાર બાદ ચિરાગ કલાલ વધુ ક્રિકેટ રમવા માટે વધુ મહેનત કરવા લાગ્યો અને પોતાના ક્રિકેટ રમવાના સપનાને પૂરૂં કરવા તનતોડ મહેનત કરવા લાગ્યો હતો અને તેના ફળ સ્વરૂપે તેને ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી મોટેરા ખાતે ક્રિકેટ રમવા આમંત્રણ આપવામાં આવેલ છે. આ આમંત્રણની વાત નગરમાં ફરતા સતત સોશિયલ મીડિયા પર ચિરાગ કલાલ છવાઈ ગયો હતો.