અમદાવાદ, ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવેલા તોતિંગ ફી વધારાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આ ફી વધારો પરત ખેંચવા માટે કુલનાયક- કુલસચિવને ઈમેલ કર્યા છે. જેમાં વિદ્યાર્થીઓએ ફી વધારો પાછો ખેંચવા વિનંતી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ફી વધવાથી ગરીબ અને આદિવાસી બાળકો વિદ્યાપીઠમાં નહિ અભ્યાસ કરી શકે. ગાંધીજીએ વિદ્યાપીઠ ફી માટે નહીં પણ છેવાડાના બાળકોને શિક્ષણ મળે તે માટે સ્થાપના કરી હતી. તેમજ નવા મેનેજમેન્ટને માત્ર ફી માં રસ હોય તેવું દેખાઈ રહ્યું છે.ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓના માથે ૨૭૦ ટકા જેટલો ફી વધારો ઝિંક્તા આક્રોશ ફેલાયો છે.
જેના પગલે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર ફી વધારો પરત ખેંચવા માટે અભિયાન ઉપાડ્યું છે. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા તાજેતરમાં યુજી, પીજી, ડીપ્લોમા સહિતના કોર્સની ફીનું નવુ માળખુ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં તમામ યુજી અભ્યાસની એજ્યુકેશન અને અન્ય ફી મળી ૭૦૦૦ કરાઈ છે. જ્યારે યુજી અભ્યાસક્રમમાં ૧૦૦૦૦ કરાઈ છે. ડિપ્લોમા ૬૦૦૦ ફી કરાઈ છે. તેમજ પીએચડીની ૧૫૦૦૦ જેટલી ફી કરાઈ છે. જેમાં અગાઉની ફી કરતા ૪ ગણો વધારો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, વર્ષ-૨૦૨૨-૨૩ મુજબ છાત્રાલયની વાર્ષિક ફી રૂ.૧૨,૦૦૦ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ભોજન બીલમાં વધારો થતાં બીજા સેમેસ્ટરમાં ફીમાં થોડો વધારો થતો હતો. પરંતુ બાદમાં વિદ્યાર્થીઓનું ભોજન બીલ ઓછુ આવે તો વધારાની ફી પરત કરવામાં આવતી હતી. પરંતુ નવા શૈક્ષણિક વર્ષમાં છાત્રાલયની ફીમાં પણ બેથી ત્રણ ગણો વધારો કરવાની પણ વિચારણા ચાલી રહી છે.
ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતાં ૮૦ ટકાથી વધુ વિદ્યાર્થી અંતરિયાળ વિસ્તારમાંથી અને ગરીબ-મધ્યમવર્ગમાંથી આવે છે. જેથી તેમના માટે છાત્રાલયમાં રહેવુ અનિવાર્ય છે. તેથી વિદ્યાપીઠ દ્વારા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને અભ્યાસથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.