ચાર્જશીટ દાખલ થવા દો, મારે હવે કંઈ ન કહેવું જોઈએ :બ્રિજ ભૂષણ શરણ સિંહ

નવીદિલ્હી, પોતાના પર લાગેલા આરોપો પર ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે કહ્યું છે કે, “તમામ મામલા કોર્ટ સમક્ષ છે. સરકારે એ પણ ખાતરી આપી છે કે ૧૫ જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ચાર્જશીટ દાખલ થવા દો મને નથી લાગતું કે મારે હવે કંઈક કહેવું જોઈએ.” બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજોના આરોપોની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ એસઆઇટીએ લગભગ ૨૦૮ લોકોના નિવેદન નોંધ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નિવેદનમાં બ્રિજ ભૂષણના સાથીદારો, સંબંધીઓ અને પરિવારના સભ્યોને તેમના વર્તન વિશે પૂછવામાં આવ્યું છે.

જણાવીએ કે, કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે, જેમાં સાત ફરિયાદીઓમાંથી એક સગીર રેસલર દ્વારા બ્રિજ ભૂષણ શરણ વિરુદ્ધ પોસ્કોમાં ફરિયાદ કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે બ્રિજ ભૂષણ અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો. પીડિતાએ બાદમાં FIR પાછી ખેંચી લીધી અને તેના પિતાએ કહ્યું કે તેણે ગુસ્સામાં આવું કર્યું. હવે પોતાનું નિવેદન બદલીને પીડિતાએ રેસલિંગ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે.

ગોંડા જઈને એસઆઇટીએ એફઆઇઆરમાં નોંધાયેલી સમયરેખાને સમજવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણના દિલ્હીના નિવાસસ્થાને પણ બે વાર મુલાકાત લીધી હતી અને તપાસ કરી હતી કારણ કે વિનેશે દિલ્હીમાં જંતર-મંતર પાસેના તેના ઘરે છેડતીનો આરોપ મૂક્યો હતો. વર્ષ ૨૦૧૬-૧૭ના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ હજુ સુધી જૂના ફૂટેજનો બેકઅપ મેળવી શકી નથી.

દિલ્હી પોલીસ આ અઠવાડિયે જ કોર્ટમાં બંને કેસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરશે. જણાવી દઈએ કે આ રિપોર્ટ પહેલા ફાઈલ કરવાનો હતો, પરંતુ કેટલાક વધુ લોકોના નિવેદનની રાહ જોવાઈ રહી છે જે આ અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસની તપાસ હવે લગભગ પૂરી થઈ ગઈ છે. દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણનું બે વખત નિવેદન નોંધ્યું છે અને તે મક્કમ છે કે વિનેશ અને અન્ય ખેલાડીઓએ જે તારીખોનો ઉલ્લેખ કર્યો છે, જો પોલીસ રેકોર્ડની બરાબર તપાસ કરશે તો તેમને ખબર પડશે કે હું તે સ્થળોએ હાજર નથી.