ગોધરા,
રાજ્ય સરકારના પરિપત્ર બાદ સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓ માટે શાળાઓ ખૂલ્લી મૂકવામાં આવી છે. વાલીની સંમતિ બાદ વિધાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા સહિત અન્ય જગ્યાએ પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રથમ દિવસે જિલ્લાના કુલ વિધાર્થીઓ પૈકી ૪૧ ટકા વિદ્યાર્થીઓ વાલીની સંમતિ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં સફળ કોરોના વેક્સિનેશન બાદ હવે કોરોના કેસો હવે નામશેષ થવા પામ્યા છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મોટાભાગની છૂટછાટ આપી દેવામાં આવી છે. ત્યારે રાજ્યના શિક્ષણવિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓ માટે શાળાઓ ખોલવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેને લઇને આજથી શાળાઓ વિધાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી SOP નું વિધાર્થીઓ તેમજ શાળા સંચાલકો દ્વારા ચુસ્ત પાલન કરવાનું રહેશે. ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં પણ આજથી ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. કોરોના મહામારી બાદ પ્રથમ વાર વિધાર્થીઓ શાળામાં આવતા વિદ્યાર્થીઓમાં શાળાએ આવવાનો આનંદ જોવા મળ્યો હતો. બીજી તરફ શાળા સંચાલકો દ્વારા પણ સરકારની જઘઙ નું ચુસ્ત પાલન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. શાળાએ આવતા વિધાર્થીઓને થર્મલગન દ્વારા ચેક કર્યા બાદ વિધાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો વર્ગખંડોમાં પણ વિધાર્થીઓ વચ્ચે સામાજિક અંતર જળવાય તે પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બીજી તરફ મોટાભાગના વાલીઓ દ્વારા પોતાના બાળકોને શાળાએ જવા માટે સંમતિ આપી દેવામાં આવી છે. ત્યારે આ પ્રકારે વ્યવસ્થા જળવાય રહેશે તો થોડા જ સમયમાં સ્થિતિ રાબેતા મુજબ થઈ જશે.
ગોધરાની ઈકબાલ સ્કુલમાં ધોરણ ૦૬ના ૩૫, ધોરણ ૦૭ના ૪૫ અને ધોરણ ૦૮ના ૫૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યાં બાળકોને આચાર્ય ઇદરીસ બડંગા દ્વારા એસ.ઓ.પી.ની ગાઇડ લાઇનથી અવગત કરી આવકારવામાં આવ્યા હતા તથા આવનાર દિવસોમાં અભ્યાસમાં મહેનત કરી આગળ વધવા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.