દાહોદ,
વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની ૪૮.૧૩ ટકા વસ્તી ૨૪ વર્ષથી નીચેના યુવાઓની છે. આ યુવા વયે જ વ્યક્તિને યોગ્ય દિશા માર્ગદર્શન મળે તો ઉમદા કારકિર્દી ઘડી શકે છે અને સમાજમાં પણ નોંધપાત્ર પ્રદાન કરવા સક્ષમ બને છે.
આજે દાહોદના જ આવા યુવાની અને યુનીસેફની યુવાઓને આગળ લાવવા માટેની પહેલની વાત કરવાની છે.દાહોદનો ૨૪ વર્ષનો યુવાન હર્ષ ભટારીયા. તેણે બીઇ મીકેનિકલ સુધી અભ્યાસ કર્યો છે અને દાહોદમાં કોમ્યુનિટી રેડિયોમાં આરજે તરીકે કામ કરી રહ્યો છે. હર્ષ ભટારીયાનું તાજેતરમાં જ યુનિસેફ દ્વારા ગુજરાત યંગ એકશન ટીમમાં પસંદગી કરવામાં આવી છે. યુનિસેફ દ્વારા યુવાઓને સામાજિક-આર્થિક તકોને ઝીલી લેવા સક્ષમ બનાવવા તેમજ સામાજિક પરિવર્તન માટે તૈયાર કરવા માટે ઢઞટઅઅઇં નામનો કાર્યક્રમ વર્ષ ૨૦૧૯ થી શરૂ કરવામાં આવ્યો છે અને આ માટે ગુજરાતના ૧૪ યુવાનો જે સમાજને ઉન્નત દિશા તરફ લઇ જવા માટે કાર્યરત હોય તેમની ટીમ બનાવવામાં આવી છે. જે યુનિસેફની આ પહેલમાં પોતાનો રચનાત્મક સહયોગ આપશે. દાહોદ માટે આ વાત ગૌરવરૂપ છે.
દાહોદનો હર્ષ ભટારીયા નાની ઉંમરથી જ સામાજિક પ્રદાન માટે જાગૃત અને સક્રિય છે. દાહોદમાં વૃક્ષારોપણ-પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમાં તે સક્રિય ભાગ લે છે. ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને અભ્યાસમાં માર્ગદર્શન આપે છે. કોમ્યુનિટી રેડિયો પર લોકોને સામાજિક-આર્થિક રીતે જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો આપે છે. કોરોના સમયમાં પણ હર્ષે લોકજાગૃતિ માટે સક્રિય ફાળો આપ્યો હતો. તેણે દાહોદમાં લોકો કોરોના બાબતે સાવધાની દાખવે તે માટે દાહોદનું સૌપ્રથમ કોરોના એન્થમ બનાવ્યું તેમજ ગાયું હતું. જેણે દાહોદના યુવાઓમાં ધૂમ મચાવી હતી. જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા પણ હર્ષની કામગીરીને બિરદાવવામાં આવી છે.
આગામી ૨૩ ફેબ્રુઆરીએ વર્લ્ડ રેડિયો દિવસ નિમિત્તે દિલ્હી ખાતે અખિલ ભારતીય કમ્યુનિટિ રેડિયો અધિવેશન યોજાયું હતું. તેમાં પણ હર્ષ ભટારીયાએ ભાગ લીધો હતો. તેમાં એક પેનલમાં તેની પસંદગી થઇ હતી.