ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકી ગીફટ: જુલાઈ-ઓગષ્ટમાં ૧૦ હજાર વિઝા આપશે

નવીદિલ્હી, છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકા જવાનું આકર્ષણ રહ્યું છે. અમેરિકાના એમ્બેસેડર એરિક ગારસેટ્ટીએ જણાવ્યું હતું કે, ૨૦૨૨માં જારી કરાયેલા કુલ સ્ટુડન્ટ વિઝામાં ભારતીયોની સંખ્યા ઘણી મોટી રહી છે અને દર પાંચમાંથી એક વિઝા ભારતીય વિદ્યાર્થીને અપાયો છે. ભારત ખાતેની અમેરિકન એમ્બેસીએ દેશભરમાં સાતમા વાર્ષિક ’સ્ટુડન્ટ વિઝા ડે’નું આયોજન કર્યું હતું. જેમાં નવી દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈના કોુસ્યુલર અધિકારીઓએ સ્ટુડન્ટ વિઝાની અરજી કરનારા લગભગ ૩,૫૦૦ લોકોના ઈન્ટરવ્યુ લીધા હતા.

ગારસેટ્ટીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ’વિશ્ર્વના કોઈપણ દેશની તુલનામાં ભારતના વિદ્યાર્થીઓ સૌથી વધુ સંખ્યામાં અમેરિકા આવે છે. ૨૦૨૨માં દર પાંચમાંથી એક સ્ટુડન્ટ વિઝા ભારતને ઈશ્યુ કરાયો હતો. તે વિશ્ર્વમાં ભારતની વસ્તીના પ્રમાણ કરતાં વધુ છે. ભારતીયોએ અમેરિકામાં શિક્ષણ તો મેળવ્યું જ છે, પણ દાયકાઓથી વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અમે અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ વિઝા અરજીઓનું પ્રોસેસીંગ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.’ એમ્બેસેડરે કહ્યું હતું કે,

’ચાલુ વર્ષે અમે અગાઉના વર્ષોની તુલનામાં વિદ્યાર્થીઓને વધુ વિઝા એપોઈન્ટમેન્ટસ આપીશું. આગામી કેટલાક સપ્તાહમાં અમે જુલાઈ અને ઓગષ્ટ માટે સ્ટુડન્ટ વિઝાની હજારો એપોઈન્ટમેન્ટસ જારી કરીશું.’ એમ્બેસીએ જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં સ્થિત અમેરિકન એમ્બેસીએ ૧૨૫૦૦૦થી વધુ સ્ટુડન્ટ વિઝા ઈશ્યુ કર્યા છે, જે રેકોર્ડ છે. ૨૦૨૨માં ભારતીયોને વિશ્ર્વભરમાં સૌથી વધુ એચએન્ડઆઈ રોજગારી વિઝા (૬૫ ટકા) અને એફ૧ સ્ટુડન્ટ વિઝા (૧૭.૫ ટકા) ઈશ્યુ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે ૧૨ લાખથી વધુ ભારતીયોએ અમેરિકાની મુલાકાત લીધી હતી. આ સાથે ભારતીયોઓનો સમાવેશ અમેરિકાના પ્રવાસે જનારા સૌથી મોટા આંતરરાષ્ટ્રીય જૂથોમાં થયો છે.

અમેરિકામાં ભણતા કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા ૨૧ ટકાથી પણ વધુ છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં લગભગ બે લાખ વિદ્યાર્થીએ અમેરિકામાં અભ્યાસ કર્યો હતો. એમ્બેસીના જણાવ્યા અનુસાર ગયા વર્ષે તેમણે ૨૦થી વધુ વિઝા કેટેગરીમાં વેઈટીંગ ગાળો ઘટાડી મહામારી પહેલાના સમય જેટલો કર્યો હતો. એમ્બેસીએ હવે ઈન્ટરવ્યુની જરૂરિયાત હોય એવી ટુરીસ્ટ વિઝા માટેની અરજીઓમાં વેઈટીંગ ગાળો ઘટાડવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રુબરુ ટુરીસ્ટ વિઝા એપોઈન્ટમેન્ટમાં ચાલુ વર્ષની શરૂઆતથી વેઈટીંગ ગાળો ૬૦ ટકા ઘટયો છે.