સુરત, કોરોના મહામારી બાદ હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ૨૦થી ૨૨ વર્ષના યુવાનો પર પણ હવે હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. તેવામાં સુરત શહેરની એક જ સોસાયટીમાં રહેતા બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાની ઘટના સામે આવી છે. આ બે વ્યક્તિમાં એક ૧૮ વર્ષના યુવાન અને ૪૫ વર્ષના આધેડનો સમાવેશ થાય છે. આ ઘટના સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ખોડીયાર નગર વિસ્તારની છે. પોલીસે બંને મૃતદેહોને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખોડીયાર નગર સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં ૧૮ વર્ષનો કમલેશ નામનો યુવાન તેના પરિવાર સાથે રહેતો હતો. કમલેશને વહેલી સવારે શ્ર્વાસ લેવામાં તકલીફ પડી હતી અને ત્યારબાદ એકાએક જ તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ કમલેશને પરિવારના સભ્યો સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ફરજ પરના ડોક્ટર દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ડોક્ટર દ્વારા કમલેશનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાની આ શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. તો ૧૮ વર્ષના યુવાનનું અચાનક જ મોત થતાં પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે. કમલેશ મૂળ રાજસ્થાનનો વતની હતો અને ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો.
તો બીજી તરફ ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષના નઝીફ ખાન નામના ૪૫ વર્ષના આદરને પણ એકાએક જ છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો અને ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જતા ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ૪૫ વર્ષના આધેડનું મોત પણ હાર્ટ અટેકથી થયું હોવાની આશંકા ડોક્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે, ૪૫ વર્ષીય નઝીફ ખાન રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તો હાર્ટ અટેકના કારણે આધેડનું મોત થતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થયા છે. તો ખટોદરા પોલીસ દ્વારા આધેડના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.