શહેરા ઉમરપુર બેઠક ઉપર વિજેતા થયેલ મહિલા સરપંચ પદે રાજીનામું આપશે

શહેરા,
શહેરા તાલુકાના ઉમરપૂર તાલુકા બેઠક પર ભાજપના ગીતાબેન બિન હરીફ થયા હતા. બિન હરીફ થયેલ મહિલા ઉમેદવાર ડોકવા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે આવનાર દિવસોમાં રાજીનામું આપવાના છે.

શહેરા તાલુકાના ડોકવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગીતાબેન રાકેશ ચોહાણ ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પાર્ટી માંથી તાલુકા પંચાયતની ઉમરપુર તાલુકા બેઠક પર ટીકીટ આપી હતી. આ બેઠક પરભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે તેમ લાગી રહયુ હતું. ઉમરપુર તાલુકા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુમિત્રાબેનના ઉમેદવારી પત્રમાં દરખાસ્ત કરનાર એ વાંઘો ઉઠાવતા કોંગ્રેસ ના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થતા ભાજપની ૨૯ વર્ષીય ગીતાબેન રાકેશકુમાર ચૌહાણ બિન હરીફ થયા હતા. આ વખતની ચૂંટણીમાં ફરી આ બેઠક પર ભાજપનો કેસરીયો લહેરાતા ભાજપ અગ્રણી પર્વતસિંહ ચૌહાણ, ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા અને કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી. ભાજપ અગ્રણીઓ એ બિન હરીફ થયેલ ગીતાબેન ચૌહાણને મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા.જ્યારે ઉમરપુર બેઠક પર બિનહરીફ થતા ગીતાબેન એ જણાવ્યું હતું કે, તેઓ ડોકવા ગ્રામ પંચાયતના સરપંચ પદ પરથી રાજીનામું આપશે અને તેમના મત વિસ્તારના મતદારોના સાથે રહીને વિકાસના કામો કરનાર છે. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સાથે અપક્ષ પણ ચૂંટણી મેદાનમાછે.