પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં નહીં રમે વર્લ્ડ કપની મેચો

મુંબઇ, હવે બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે એક નવો વિવાદ શરૂ થયો છે. વાસ્તવમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજમ સેઠીએ આઇસીસીને જણાવ્યું હતું કે તેઓ તેમની વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ની મેચ અમદાવાદમાં નહીં રમે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમવા માટે તૈયાર છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે તેઓ પાકિસ્તાનની મેચ કોલકાતા, ચેન્નાઈ અને બેંગલુરુમાં રમાડવામાં આવે.

રિપોર્ટ્સ અનુસાર,આઇસીસી અધ્યક્ષ ગ્રેગ બાર્કલે અને જનરલ મેનેજર જ્યોફ એલાડસ ભૂતકાળમાં પાકિસ્તાન ગયા હતા. જ્યાં પીસીબી અધ્યક્ષ નજમ સેઠીએ પોતાની વાત રાખી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આઇસીસીના અધ્યક્ષ ગ્રેગ બાર્કલી અને જનરલ મેનેજર જ્યોફ એલાડસ પીસીબી સાથે વાત કરવા ગયા હતા કે તેઓ તેમની વનડે વર્લ્ડ કપ મેચ ન્યૂટ્રલ વેન્યૂ પર રમવાની માગ નહીં કરે, પરંતુ હવે નજમ સેઠીએ નવી માગણી સામે રાખી દીધી છે. નજમ સેઠીએ કહ્યું કે અમે નથી ઈચ્છતા કે નોકઆઉટ મેચ સિવાય તેમની કોઈ મેચ અમદાવાદમાં યોજાય.

પીસીબીના અધ્યક્ષ નજમ સેઠીએ આઇસીસીને વિનંતી કરી છે કે જો પાકિસ્તાન સરકાર તેની ક્રિકેટ ટીમને ભારત જવા માટે મંજૂરી આપે તો અમારી ટીમની મેચ ચેન્નાઈ, બેંગલુરુ અને કોલકાતામાં યોજવામાં આવે, પરંતુ અમે અમદાવાદમાં રમવા માગતા નથી. આ સાથે નજમ સેઠીએ કહ્યું કે પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ કરતા પણ ઓછા પૈસા મળે તે યોગ્ય નથી. નજમ સેઠીનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ ભારત સાથે સતત દ્વિપક્ષીય સીરિઝ રમતા રહે છે. આ સિવાય આ દેશોના ખેલાડીઓ આઇપીએલમાં રમે છે. આ રીતે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમોના ખેલાડીઓ વધુ કમાણી કરે છે.