
મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના કોલહાપુર માં ટિપુ સુલતાન અને ઔરંગઝેબ ના પોસ્ટર પર તોફાન થયાની ઘટના સામે આવી છે. કેટલાક યુવકોએ ઔરંગઝેબના સમર્થનમાં વોટસએપ સ્ટેટસ મૂકી વાંધાજનક ટીપ્પણી કરી હતી. જેનો હિંદુ સંગઠનોએ વિરોધ કરતાં મોટી બબાલ થઈ હતી. યુવકો અને હિંદુ સંગઠનો વચ્ચે ઘર્ષણ થતાં કોલહાપુરમાં તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળ્યું.

પોલીસ દ્વારા મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતાં લાઠીચાર્જ કરવામાં આવ્યો. જેમાં અનેક લોકો ઘાયલ થતાં કોલ્હાપુરમાં પરિસ્થિતિ વધુ નાજુક બનતી જોવા મળી. ટીપુ સુલતાન અને ઔરંગઝેબના પોસ્ટરોને લઈને થયેલ વિવાદની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અન્ય શહેરોમાં પણ અરાજક્તાનો માહોલ જોવા મળ્યો.
ઔરંગઝેબના પોસ્ટરને લઈને મહારાષ્ટ્રના કેટલાક શહેરમાં સ્થિતિ નિયંત્રણ બહાર જતાં રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી દ્વારા લોકોને શાંત રહેવા અપીલ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારનીછે. વધુમાં તેમણે કહ્યું કે બેકાબૂ બનેલ આ સ્થિતિ પર નિયંત્રણ મેળવવા ગૃહ વિભાગ અને મંત્રી અધિકારીઓ એકબીજાના સંપર્કમાં છે. જ્યારે ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબના વખાણ કરનારાઓ માટે કોઈ સ્થાન નથી. તેમજ કોઈ અપ્રિય ઘટના ન બને માટે લોકોને શાંતિ જાળવવા સાથે ખોટી અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી. મુખ્યમંત્રીએ આ મામલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
ગત રવિવારે મહારાષ્ટ્રના અહમદ નગર જિલ્લામાં ફકીરવાડા વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં યુવકો સંગીત અને નાચગાન કરી રહ્યા હતા. જેમાં કેટલાક યુવકોએ ઔરંગઝેબ અને ટીપુસુલતાનના પોસ્ટર દર્શાવી વાંધાજનક ટીપ્પણી કરી હતી. આ મામલે પોલીસે ચાર યુવકો સામે બીજા સમુદાયને ઉશ્કેરવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પંહોચડવાના આરોપ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેના બાદ હિંદુ સંગઠનો દ્વારા પ્રદર્શનનું આહવાન કરવામાં આવતા અનેક સ્થળો પર ભીડ જોવા મળી હતી. જ્યાં પોલીસે ભીડને નિયંત્રણ કરવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઓરંગઝેબ અને ટિપુસુલતાનને લઈને મહારાષ્ટ્રમાં અનેક સ્થાનો પર પથ્થરમારો અને હિંસા બાદ ભારે કોમી તંગદિલી જોવા મળી રહી છે.