પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

પાકિસ્તાન : રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાને ન્યૂયોર્કમાં તેની પ્રખ્યાત રૂઝવેલ્ટ હોટલ લીઝ પર આપી છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન સરકારે આ પ્રખ્યાત હોટલને આગામી ત્રણ વર્ષ માટે ન્યૂયોર્ક એડમિનિસ્ટ્રેશનને લીઝ પર આપી છે. પાકિસ્તાન હાલ સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં મોંઘવારી સાતમા આસમાને છે. લોકોની સાથે ખાવા-પીવાની કટોકટી પણ ઉભી થવા લાગી છે.

ફોરેન એક્સચેન્જ માર્કેટ ખતમ થવાના આરે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સરકારે આ હોટલને લીઝ પર આપીને ઘણી કમાણી કરી છે.

આ ડીલ હેઠળ પાકિસ્તાનને ઇં૨૨૦ મિલિયન મળશે. આ હોટલનું નામ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટના નામ પરથી રાખવામાં આવ્યું હતું. મેનહટન, ન્યૂયોર્કમાં આ હોટેલે ૧૯૨૪થી પોતાની અલગ ઓળખ જાળવી રાખી છે. આ હોટલને લીઝ પર આપવાનો આ પહેલો કિસ્સો નથી. સરકાર સંચાલિત પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) એ ૧૯૭૯માં હોટેલ લીઝ પર આપી હતી પરંતુ બે દાયકા પછી તેને પાછી ખરીદી લીધી હતી. ડીલ મુજબ ન્યુયોર્ક સિટી એડમિનિસ્ટ્રેશન તેનું ત્રણ વર્ષ માટે સંચાલન કરશે અને ટુરિસ્ટોને રહેણાંકની સુવિધા પુરી પાડશે.