બાલાસોર દુર્ઘટનામાં સ્થાનિકોએ હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા: મુખ્યમંત્રી નવીન પટનાયક

ભુવનેશ્ર્વર, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે દાવો કર્યો હતો કે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં રાજ્યના લોકોએ ૧૦૦૦ થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. આ ભયાનક અકસ્માતમાં, અમે જોયું કે સ્થાનિક લોકો કેવી રીતે બચાવમાં જોડાયા હતા. આ સાથે હોસ્પિટલોમાં રક્તદાન માટે લાંબી ક્તારો જોવા મળી હતી. આ ચિત્રો અમૂલ્ય છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓની યાદમાં એક મિનિટનું મૌન પાળ્યા પછી, પટનાયકે કહ્યું કે સ્થાનિક લોકોના પ્રયાસોએ ઓડિશાના લોકોની કરુણા અને માનવતા પ્રગટ કરી છે.

સીએમ પટનાયકે કહ્યું કે અકસ્માત બાદ ડોક્ટરો, મેડિકલ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોના મનમાં એક જ વાત હતી કે આપણે બને તેટલો જીવ બચાવવો જોઈએ. અને અમે એક હજારથી વધુ જીવ બચાવ્યા છે. ટ્રેન દુર્ઘટનાને યાદ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે બાલાસોર દુર્ઘટનાથી દરેક વ્યક્તિ વાકેફ છે જેણે દેશ અને દુનિયાને પણ હચમચાવી દીધી હતી. તેમણે કહ્યું, આ ખૂબ જ દુ:ખનો સમય છે, પરંતુ, આ અકસ્માતે ઓડિશાની તાકાત, સંકટના સમયમાં અપેક્ષાઓ પર ખરા ઉતરવાની ક્ષમતા સાબિત કરી છે. પટનાયકે જણાવ્યું હતું કે મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, સહાયક સ્ટાફ તમામ અકસ્માત સ્થળ અને આરોગ્ય કેન્દ્રો પર હતા, વ્યવસ્થા કરી રહ્યા હતા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને ઘાયલોની સારવાર કરી રહ્યા હતા.

ટ્રેન દુર્ઘટનામાં ૨૮૮ લોકોના મોત થયા છે. મુખ્ય સચિવ પીકે જેનાએ કહ્યું કે સોમવાર સુધી ૨૭૫ મૃત્યુની પુષ્ટિ થઈ હતી, પરંતુ મૃતદેહોની ચકાસણી બાદ આંકડો ૨૮૮ પર પહોંચી ગયો હતો. જેનાએ કહ્યું કે અત્યાર સુધીમાં ૨૦૫ મૃતદેહોની ઓળખ કરી તેમના સંબંધીઓને સોંપવામાં આવી છે. તેમણે કહ્યું કે બાકીના ૮૩ મૃતદેહોને એઆઇઆઇએએમએસ-ભુવનેશ્ર્વર અને અન્ય હોસ્પિટલોમાં ઓળખ માટે રાખવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે સીબીઆઈ અકસ્માતની તપાસ ર્કરી રહી છે. મંગળવારે સીબીઆઈની ટીમ બે વખત બાલાસોર અને બહનાગા રેલવે સ્ટેશન પર ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી. ટીમે મુખ્ય લાઇન અને લૂપ લાઇન બંને તપાસી. આ દરમિયાન સીબીઆઈના અધિકારીઓ સિગ્નલ રૂમમાં પણ ગયા હતા. ટીમ સાથે રેલવે અધિકારીઓ પણ હાજર હતા. ટીમનું સમગ્ર યાન અકસ્માત પાછળના કારણ અને ગુનેગારની તપાસ પર છે. આ સંબંધમાં ટીમ રેલવે સુરક્ષા નિષ્ણાત સાથે પણ સલાહ લઈ શકે છે. તપાસ માટે રચાયેલી ટીમનું નેતૃત્વ સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર (સ્પેશિયલ ક્રાઈમ) વિપ્લવ કુમાર ચૌધરી કરી રહ્યા છે.