અમિર ખાન ના ઘરે સ્ટાર્સની શાનદાર મહેફિલ, કપિલ શર્માએ ગીત ગાયું

મુંબઇ, બોલિવૂડ એક્ટર આમિર ખાન તાજેતરમાં આગામી પંજાબી ફિલ્મ કેરી ઓન જટ્ટા ૩ ના ટ્રેલર લોંચમાં જોવા મળ્યો હતો. જે બાદ તેણે ફિલ્મની ટીમ સાથે તેના ઘરે પાર્ટી કરી હતી. કોમેડિયન કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની પણ તે પાર્ટીનો ભાગ હતી. કપિલ શર્માએ પણ આમિર ખાન સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે જ એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પાર્ટીનો નજારો જોવા મળી રહ્યો છે. કપિલ શર્મા ગીત ગાતો જોવા મળી રહ્યો છે અને આમિર પણ તેને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોને કપિલ શર્મા શોના જજ અર્ચના પુરણ સિંહે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં આમિર ખાન, કપિલ શર્મા, તેની પત્ની ગિન્ની, સોનમ બાજવા, કવિતા કૌશિક, કીકુ શારદા સહિત અન્ય ઘણા ચહેરાઓ જોવા મળે છે. કેટલાક લોકો સોફા પર બેઠા છે તો કેટલાક નીચે બેસીને પાર્ટીની મજા માણી રહ્યા છે.

એકના હાથમાં ગિટાર છે, તો એકના હાથમાં હાર્મોનિયમ છે અને એક વ્યક્તિ તબલા વગાડતો જોવા મળી રહ્યો છે અને આ બધા સાથે કપિલ શર્મા પોતાના અવાજથી મહેફિલની મજા માણતા જોવા મળ્યા છે. તે ગુલામ અલીનું લોકપ્રિય ગીત ‘હંગામા હૈ ક્યૂં બરપા’ ગાતો જોવા મળે છે અને તેની સાથે આમિર ખાન પણ જોવા મળે છે. પાર્ટીમાં હાજર દરેક લોકો કપિલના ગીતની મજા લેતા જોવા મળે છે.

આ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયાની લાઈમલાઈટમાં છવાઈ ગયો. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો પર કપિલ શર્માની કોમેન્ટ્સ સામે આવી છે. તેણે લખ્યું, “કેટલી સુંદર સાંજ. આ અદ્ભુત યાદોને કેપ્ચર કરવા બદલ અર્ચના મેડમનો આભાર.” આગળ, તેણે રેડ હાર્ટ ઇમોજી પણ મુક્યું છે.