યુએસની યુનિવર્સિટી માં ગોળીબાર, ૨નાં મોત:૧૯ વર્ષીય શંકાસ્પદ વ્યક્તિએ ગ્રેજ્યુએશન સેરેમનીમાં ગોળીબાર કર્યો; બે લોકો કસ્ટડીમાં

વર્જીનિયા, યુએસની વજનિયા યુનિવર્સિટી માં મંગળવારે સાંજે હાઇસ્કૂલના ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન ગોળીબાર થયો હતો. જેમાં ૨ લોકોનાં મોત થયા હતા, જ્યારે ૫ લોકો ઘાયલ થયા હતા. પોલીસે બે લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમાંથી એકની ઉંમર ૧૯ વર્ષની હોવાનું કહેવાય છે. આ ઘટના વજનિયાના રિચમંડ વિસ્તારમાં આવેલા મનરો પાર્કમાં સાંજે લગભગ ૫.૧૫ વાગ્યે બની હતી.શૂટિંગના થોડાં સમય પહેલા પાર્કમાં આવેલા અલ્ટ્રિયા થિયેટરમાં હાઇસ્કૂલની ગ્રેજ્યુએશન સેરેમની શરૂ થઇ હતી. આ પાર્ક વજનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી ના કેમ્પસમાં છે. ગોળીબારમાં માર્યા ગયેલા લોકો સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. જેમાં ૧૮ વર્ષીય યુવક અને ૩૫ વર્ષીય યુવકનો સમાવેશ થાય છે.

રિચમન્ડ પબ્લિક સ્કૂલ્સના અધિકારી મેથ્યુ સ્ટેનલીએ જણાવ્યું હતું કે સાંજે વધુ બે સ્કૂલે ગ્રેજ્યુએશન સેરેમની નક્કી કરી હતી, પરંતુ તે રદ કરવામાં આવી. વાસ્તવમાં ત્રણ શાળાઓમાં મંગળવારે અલ્ટ્રિયા થિયેટરમાં ગ્રેજ્યુએશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વજનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી એ સાંજે ૫:૧૫ વાગ્યે મોનરો પાર્કમાં બનેલી ઘટનાની માહિતી આપતાં એલર્ટ મોકલ્યું હતું. લગભગ એક કલાક પછી એલર્ટ આવ્યું કે હવે કોઈ જોખમ નથી. રિચમન્ડના મેયર લેવર એમ. સ્ટોનીએ જણાવ્યું હતું કે પોલીસ મનરો પાર્કમાં પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. હાલમાં આ વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

ગન વાયોલન્સ આર્કાઇવ અનુસાર, આ વર્ષે યુ.એસ.માં ૨૦૦ થી વધુ સામૂહિક ગોળીબાર થયા છે. ૨૦૦૬ થી, અમેરિકામાં સામૂહિક હત્યાના ૫૫૬ થી વધુ કેસ નોંધાયા છે. તેમાંથી લગભગ ૨,૮૯૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા બે દાયકામાં સરેરાશ દર સાડા ત્રણ અઠવાડિયે એક એવો કિસ્સો પ્રકાશમાં આવે છે.

નાગરિકો પાસે બંદૂકો રાખવાની બાબતમાં અમેરિકા વિશ્ર્વમાં સૌથી આગળ છે. સ્વિટ્ઝર્લેન્ડના સ્મોલ આર્મ્સ સર્વે (એસએએસ)ના અહેવાલ મુજબ, વિશ્ર્વમાં ૮૫.૭ કરોડ સિવિલિયન બંદૂકોમાંથી, એકલા અમેરિકામાં ૩૯.૩ કરોડ સિવિલિયન બંદૂકો છે. અમેરિકા વિશ્ર્વની ૫% વસતિ ધરાવે છે, પરંતુ વિશ્ર્વની ૪૬% સિવિલિયન બંદૂકો એકલા યુએસમાં છે.