જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો, અનંતનાગમાં IED વિસ્ફોટ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી હુમલો થયો છે. અનંતનાગમાં આતંકવાદીઓએ મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો છે. અનંતનાગમાં આતંકવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. રાહતની વાત એ છે કે, આ નાનો આઈઈડી બ્લાસ્ટ હતો. હજી સુધી કોઈ જાનહાનિ થઇ હોવાના સમાચાર મળ્યા નથી. આઈઆઈડી બ્લાસ્ટ અનંતનાગ જિલ્લાના બિજબેરા વિસ્તારમાં થયો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ટિપરની અંદર એક નાના કદના IED રાખવામાં આવ્યો હતો. વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો છે અને શોધખોળ શરૂ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકીઓ મોટા હુમલાઓની ફિરાકમાં બેઠા છે. સોમવારે જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓને મદદ કરતી લશ્કર-એ-તૈયબા (એલઇટી) અને તહરીક-ઉલ-મુજાહિદ્દીન (ટીયુએમ) આતંકવાદી સંગઠનોના બે સાથીદારોની ધરપકડ કરી હતી. આ બંનેની ધરપકડ મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાંથી કરવામાં આવી હતી. તેમજ તેમની પાસેથી અનેક વાંધાજનક ચીજો પણ મળી આવી હતી. આ બંનેની ઓળખ સમીર અહેમદ ઇત્તુ અને ઉબેદ અમીન મલ્લાહ તરીકે થઈ હતી. આ બંને કુલગામ જિલ્લાના રહેવાસી છે. તેના પાસેથી ધ્વજ, બેનરો અને લેટર પેડ સહીત અનેક વાંધાજનક વસ્તુઓ મળી આવી છે.

અગાઉ, પુલાવામા હુમલાની વરસી પર, આતંકવાદીઓએ ફરીથી આ હુમલાને પુનરાવર્તિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેને નિષ્ફળ બનાવ્યો હતો. રવિવારે પોલીસે જમ્મુના એક બસ સ્ટેન્ડમાંથી સાત કિલોગ્રામ ઇમ્પ્રુવાઝ્ડ વિસ્ફોટક ઉપકરણ (આઈઈડી) મળી આવ્યા હતા. જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. આતંકવાદીઓ આતંકવાદી હુમલા કરશે તેવા સંકેતો હોવાથી સુરક્ષા દળો દ્વારા સુરક્ષાના પૂરતા પગલા લેવામાં આવ્યા હતા.

આ અંગે કાર્યવાહી કરતાં જમ્મુ બસ સ્ટેન્ડ પર આતંકવાદીઓનું વિસ્ફોટ થવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું હતું. આ દરમિયાન એક શંકાસ્પદ આતંકવાદીની પણ ધરપકડ કરવામાં આવી હતી.