ગમખ્વાર અકસ્માત : MPમાં બસ નહેરમાં ખાબકી, વિદ્યાર્થીઓ સહિત 30થી વધુના મોત

મંગળવારની સવાર આજે મધ્યપ્રદેશના સીધીમાં અમંગળ શરૂ થઈ હતી. અહીં કેનાલમાં બસ ખાબકતા અત્યાર સુધી 30ના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે.

  • મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં ગોઝારો અકસ્માત
  • બસ નહેરમાં ખાબકી, 54 લોકો હતા સવાર
  • અત્યાર સુધી 30 શબ મળી આવ્યા, તપાસ ચાલુ
  • બાણસાગર ડેમથી નહેરમાં પાણી રોકી દેવાના આદેશ

ભયંકર અકસ્માતથી એમપીમાં ખળભળાટ

મધ્ય પ્રદેશના સીધીમાં ખૂબ ભયંકર અકસ્માત થયો છે જેમાં એક બસ નહેરમાં પડી ગઈ હતી જેમાં 54 લોકો સવાર હતા. અકસ્માત બાદ કોહરામ મચી ગયો હતો અને અત્યાર સુધી 30 લોકોના શબ મળી અવાયા છે અને 7 લોકોને બચાવવામાં આવ્યા છે.

હજુ પણ ચાલુ છે રેસ્ક્યૂ

અકસ્માત બાદ શિવરાજ સિંહ ચૌહાણે કેબિનેટ બેઠક સ્થગિત કરી છે અને બે મંત્રી ઘટનાસ્થળ પર જવા માટે રવાના થયા છે. સાથે જ સતત રેસ્ક્યૂ ઓપરેશન પર કામ કરવામાં આવી રહ્યું છે. હજુ પણ ઘણા લોકો ગુમ હોવાના સમાચાર છે.

ડેમનું પાણી રોકી દેવાયું

અકસ્માત બાદ બાણસાગર ડેમથી નીકળતું પાણી બંધ કરી દેવાયું છે જેથી પાણીનો તેજ પ્રવાહ રોકી શકાય. ક્રેન દ્વારા પહેલા બસને શોધવાની કોશિશ કરાઈ હતી.

અકસ્માતની જાણકારી મળતાં જ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે જિલ્લા કલેક્ટર સાથે સીધી વાત કરી હતી અને કલેક્ટરને રેસ્ક્યુ ઑપરેશન ઝડપી કરવાના આદેશ આપ્યા હતાં. તેમણે બાણસાગર ડેમનું પાણી રોકવાનો પણ નિર્દેશ આપ્યો હતો. સીએમના આદેશ મળ્યા બાદ આવશ્યક વસ્તુઓ ઘટનાસ્થળે પહોંચાડી દેવાઈ હતી.

કેબિનેટ મીટિંગ પણ મોકૂફ

બીજી બાજુ શિવરાજ સિંહે ચૌહાણે કહ્યું હતું કે આજે 1.10 લાખ ઘરોમાં ગૃહપ્રવેશનો કાર્યક્રમ સંપન્ન કરવાનો હતો પરંતુ સવારે આ ઘટનાની જાણકારી મળથાં જ કાર્યક્રમ રોકી દેવામાં આવ્યો છે. આ સાથે જ આજની કેબિનેટ મીટિંગ પણ મોકૂફ કરી દેવામાં આવી છે.