પાકિસ્તાનનું હાઇબ્રિડ મોડલ તમામ દેશોએ નકાર્યું, ભારત-પાકનો મેચ નહી રમાય તો ધરખમ ફેરફાર થશે

મુંબઇ : એશિયા કપ પર ખતરાના વાદળો ઘેરાઈ ગયા છે. અહેવાલો અનુસાર, આ વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપનું આયોજન કરવું હવે અશક્ય છે કારણ કે પાકિસ્તાનના હાઇબ્રિડ મોડલને નકારી દેવામાં આવ્યું છે. પાકિસ્તાને એશિયા કપના આયોજન માટે હાઇબ્રિડ મોડલ આપ્યું હતું, જેને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અન્ય તમામ સભ્યોએ ફગાવી દીધું છે. આ મોડલને રિજેક્ટ થતાં જ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન એશિયા કપ નહીં રમે.

હવે સવાલ એ છે કે જો પાકિસ્તાન એશિયા કપ નહીં રમે તો તેનું શું નુક્સાન થશે? એશિયા કપમાં પાકિસ્તાનની ગેરહાજરીથી બ્રોડકાસ્ટર્સને ઘણું નુક્સાન થઈ શકે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપની સૌથી મોટી મેચ માનવામાં આવે છે. દુનિયાની નજર આ મેચ પર છે. આ મેચમાં એડ મની પણ ડબલ થઈ જાય છે. સ્વાભાવિક છે કે, જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર નહીં થાય ત્યારે બ્રોડકાસ્ટર્સ આ ટુર્નામેન્ટમાંથી ખસી શકે છે.

પીસીબીના પ્રસ્તાવિત હાઇબ્રિડ મોડલ મુજબ, પાકિસ્તાન એશિયા કપની ૩ કે ૪ મેચો પોતાના દેશમાં યોજવાનું હતું અને ભારત તેની મેચો પાકિસ્તાનને બદલે તટસ્થ પ્રદેશમાં રમશે. પરંતુ BCCI આ માટે તૈયાર ન હતું અને શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને પણ વિશ્ર્વના સૌથી શક્તિશાળી બોર્ડ એટલે કે ભારતને સમર્થન આપ્યું છે. સમાચાર મુજબ હવે આ ટૂર્નામેન્ટ પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. જો કે, પાકિસ્તાન પાસે બે વિકલ્પ છે કે કાં તો તે આ ટૂર્નામેન્ટની યજમાની છોડી દે અથવા તો તે ટૂર્નામેન્ટમાંથી જ ખસી જાય. એવા અહેવાલો પણ છે કે એશિયા કપ રદ્દ થવાની સ્થિતિમાં BCCI ચાર દેશોની વનડે શ્રેણીનું આયોજન કરી શકે છે. આ શ્રેણીમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને ભારત રમશે. આ સિરીઝ ૫૦ ઓવરની હશે અને આ વનડે વર્લ્ડ કપની તૈયારી કરવાની સારી તક હશે. બીજી તરફ પાકિસ્તાન શું કરે છે તે જોવાનું રહેશે. કારણ કે જો એશિયા કપ નહીં થાય તો પાકિસ્તાનની ટીમ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપનો પણ બહિષ્કાર કરી શકે છે. પીસીબી અગાઉ પણ આવી ધમકીઓ આપી ચૂક્યું છે.