લુણાવાડા કોર્ટનો કડક ચુકાદો: આરોપીને ૩ વર્ષની સખત કેદ અને દંડ, સહઆરોપી પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત.
મહીસાગર જીલ્લાના ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એચ.એ.પંડ્યાની કોર્ટે બનાવટી શૈક્ષણિક દસ્તાવેજોના આધારે ટ્રાન્સપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાનો પ્રયાસ કરનાર આરોપી સામે મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે વિરપુર તાલુકાના જમીયતપુરા ગામના રહેવાસી સાયબાભાઈ મણીયાભાઈ વાઘરીને ભારતીય દંડ સંહિતાની કલમ ૪૬૫, ૪૬૮ અને ૪૭૧ હેઠળ દોષિત ઠેરવી ૩ વર્ષની સખત કેદની સજા તેમજ દંડ ફટકાર્યો છે. જ્યારે સહઆરોપી શફીભાઈ ઇબ્રાહીમભાઈ ઘાંચીને પૂરતા પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે.
કેસની હકીકત મુજબ, આરોપી સાયબાભાઈ વાઘરીએ ટ્રાન્સપોર્ટ કેટેગરીનું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આર.ટી.ઓ. કચેરીમાં યોગી કૃપા હાઈસ્કૂલ, મોડાસાના શાળા છોડ્યાના દાખલા (એલ.સી.), માર્કશીટ અને અન્ય શૈક્ષણિક પ્રમાણપત્રો રજૂ કર્યા હતા. દસ્તાવેજોની ચકાસણી દરમિયાન શાળા સંચાલકોએ લેખિતમાં જણાવ્યું હતું કે આ નામનો કોઈ વિદ્યાર્થી ક્યારેય શાળામાં અભ્યાસ કરેલો નથી તેમજ રજૂ કરાયેલા તમામ દસ્તાવેજો બનાવટી હોવાનું બહાર આવ્યું હતું.
કોર્ટના અવલોકન મુજબ આરોપીને દસ્તાવેજો બનાવટી હોવાની સંપૂર્ણ જાણકારી હોવા છતાં તેણે પોતાના અંગત લાભ માટે તેને અસલી તરીકે રજૂ કરી સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે, આવા ગુનાઓ માત્ર સરકારી તંત્રની વિશ્ર્વસનીયતા પર જ નહીં, પરંતુ સમગ્ર સમાજના વિશ્ર્વાસ પર પણ ગંભીર અસર કરે છે. ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, આવા ગુનાઓમાં વધુ પડતી નરમાઈ દાખવવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે અને આવા ગુનાઓને રોકવા માટે કડક સજાની જરિયાત છે. બીજી તરફ, સહઆરોપી શફીભાઈ ઘાંચી સામે કાયદેસર અને નિ:શંક પુરાવા રજૂ ન થતાં તેમને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસમાં સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ યોગેશ એસ. ગોસાઈ દ્વારા અસરકારક દલીલો રજૂ કરવામાં આવી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને દોષિત ઠેરવી ૩ વર્ષની સખત કેદ તથા દંડની સજા ફરમાવી હતી.