બર્થ-ડે પાર્ટીનું બિલ ૧૦ હજાર આવતા વિવાદ: મિત્રોએ જ દોસ્તને મોતને ઘાટ ઉતાર્યો

મુંબઇ, મહારાષ્ટ્રના મુંબઈમાં ચાર મિત્રોએ પોતાના જ મિત્રની હત્યા કરી દીધી છે. મુંબઈના ગોવંડીમાં ૧૦,૦૦૦ રૂપિયાનું જમવાનું બિલ આવતા બિલ આપવાના વિવાદમાં ૪ મિત્રોએ ભેગા થઈને તેમના ૧૮ વર્ષીય મિત્રની હત્યા કરી દીધી છે.

મુંબઈ પોલીસ જણાવે છે કે, ઉત્તરપ્રદેશના રહેવાસી ૧૯ અને ૨૨ વર્ષીય આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. બે સગીરે આત્મસમર્પણ કરતા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. શિવાજી નગર પોલીસ અધિકારી અનુસાર મૃતકે ૩૧ મેના રોજ એક ઢાબા પર જન્મદિવસની પાર્ટી આપી હતી.બર્થ ડે પાર્ટીનું બિલ ૧૦,૦૦૦ રૂપિયા આવ્યું હતું. બિલ શેર કરવા બાબતે તમામ મિત્રો વચ્ચે વિવાદ થયો હતો. બર્થ ડે પાર્ટી આપનાર યુવકે બિલ ચૂકવી દીધું હતું. ચાર આરોપીઓએ અન્ય એક જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું અને તેમાં આ યુવકને પણ બોલાવ્યો હતો.

પોલીસે આપેલ જાણકારી અનુસાર ચાર મિત્રોએ કેક ખવડાવ્યા પછી ધારદાર હથિયારથી આ યુવક પર હુમલો કરતા તેનું મૃત્યુ થઈ ગયું. આ ઘટના સામે આવતા ૧૭ વર્ષના બે કિશોરે પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું. અન્ય બે આરોપીઓની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે, તેઓ ઉત્તરપ્રદેશ ભાગવાની કોશિશ કરી રહ્યા હતા. બે સગીર આરોપીને સુધાર ગૃહ મોકલવામાં આવ્યા છે. અન્ય બે આરોપીઓની ધારા ૩૦૨ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.