હવે આ રાજ્યમાં ૧૦માની બોર્ડની પરીક્ષા નહીં લેવાય, નવી ફોર્મ્યુલા કરાઈ નક્કી

ગોવાહાટી, નવી શિક્ષણ નીતિ હેઠળ ૧૦માની બોર્ડની પરીક્ષા નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ માટે અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ પણ ૪ વર્ષનો હશે. વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી મેળવી શકે છે.શાળામાં ભણતો દરેક વિદ્યાર્થી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાને લઈને ચિંતિત છે. આવી સ્થિતિમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વિદ્યાર્થીઓને રાહત આપતા નવી શિક્ષણ નીતિ હેઠળ મોટી જાહેરાત કરી છે.

આસામમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪થી ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા લેવામાં આવશે નહીં. રાજ્ય સરકાર નવા આસામ શૈક્ષણિક બોર્ડની સ્થાપના કરશે. સીએમ બિસ્વાએ કહ્યું કે આ નિર્ણય નવી શિક્ષણ નીતિના આધારે લેવામાં આવ્યો છે.

આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે ધોરણ ૧૦ની પરીક્ષા બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન આસામ એટલે કે એસઇબીએ દ્વારા લેવામાં આવે છે. આસામ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પરિષદ એએચએસઇસી દ્વારા ધોરણ ૧૨ ની પરીક્ષાઓ લેવામાં આવે છે. હવે બંને બોર્ડ એકબીજા સાથે ભેળવી દેવામાં આવ્યા છે.સીએમ બિસ્વાએ કહ્યું કે પાસ અને ફેલ સિસ્ટમ ૧૦મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ચાલુ રહેશે. પરંતુ બોર્ડની પરીક્ષા માત્ર ૧૨મા ધોરણ માટે જ લેવામાં આવશે. ધોરણ ૧૦માં હાજર રહેલા વિદ્યાર્થીઓને હવે ૧૧મા ધોરણમાં પ્રવેશ લેવાની જરૂર રહેશે નહીં કારણ કે તેમને પ્રમોશન આપવામાં આવશે.

નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત શિક્ષણ પ્રણાલીમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આસામમાં હવે શાળા અને કોલેજનું શિક્ષણ મર્જ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ૫ ૩ ૩ ૪ ફોર્મ્યુલા સાથે વર્ગો હશે. પ્રથમ ૫ વર્ષ પ્લે ગ્રુપથી ક્લાસ ૨ સુધીના રહેશે. પછી ધોરણ ૩ થી ૫ માટે ૩ વર્ષ અને તે પછી ૩ વર્ષ ૬ઠ્ઠું, ૭મું અને ૮મું ઉમેરવામાં આવ્યું છે. છેલ્લા ૪ વર્ષ ધોરણ ૯ થી ૧૨ સુધીના છે.