ગોધરા,,એક્સઠ પાટીયા પાસે એક મહિલા સાવત્રીબેન દલવાઈ આંટાફેરા કરતી કાંકણપુર પોલીસને નજરે પડી હતી. કાંકણપુર પોલીસે આ મહિલાને પોલીસ સ્ટેશનમાં લઈ આવીને 181 અભયમ મહિલા હેલ્પલાઈન નંબર પર ફોન કરીને જાણ કરતા જ અભયમની ટીમ પોલીસ મથકે પહોંચી આ મહિલાનુ રેસ્ક્યુ કરી ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે આવેલા આશાદીપ ફાઉન્ડેશન સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોંપવામાં આવી હતી. ત્યાર બાદ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક અને સ્ટાફ દ્વારા મહિલાનુ સતત કાઉન્સેલીંગ કરતા આ મહિલાએ પોતાની દીકરીનું નામ ઉડકાબેન ચંદ્રાવતી, આંગણવાડી પાસે હુલકુંદનું સરનામું આપ્યું હતું. ત્યારે સખી વન સ્ટોપ સેન્ટરની ટીમના કેન્દ્ર સંચાલક રીંકુબેન પંચાલ, કેસ વર્કર મીનાબેન પટેલ અને શીતલબેન પારેખએ કર્ણાટકના બેલગામ ઓ.એસ.સી., કાનવર ઓ.એસ.સી. અને બીજાપુર ઓ.એસ.સી. સાથે સંકનલ કરી ઉપરોક્ત એડ્રેસ ઉપર તપાસ કરવામાં આવી હતી. તા.24 મી મે નારોજ તેમની દીકરી ઉડકાબેનને ઓ.એસ.સી.ના કર્મચારી મીનાબેન પટેલ દ્વારા વિડિઓ કોલ મારફતે સંપર્ક કરીને આ મહિલાની વિગતો આપવામાં આવી હતી. જ્યારે આ મહિલાની દીકરીએ માતા સાવત્રીબેન સાથે વિડિઓ કોલ થકી વાત કરીને આ મહિલા સાવત્રીબેન પોતાની માતા થાય એવું જણાવ્યું હતું અને તા.26મી મે નારોજ દીકરી ઉડકાબેન અને જમાઈ મારુતિ ચંદ્રગીરી ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે આવેલા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને લેવા માટે આવ્યા હતા. જયારે મહિલા સાવત્રીબેનને સહીસલામત જોઈ પરીવારજનો એ રાહતનો શ્વાસ લીધો હતો અને આ સખી વન સ્ટોપની ટીમે આ મહિલાને પોતાના પરીવારજનો સહીસલામત સુપ્રત કરતા જ પરીવારજનો એ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમનો આભાર માન્યો હતો.