મોરવા હડફ તાલુકાના રસૂલપૂર ગામ નજીક બાઈક અને મોપેડ વાહન વચ્ચે અકસ્માત સર્જાતા મોપેડ ચાલકને ઈજાઓ

મોરવા(હ), મહીસાગર જિલ્લાના ડોળી ગામે રહેતા નરવતસિંહ દીપસિંહ ભાભોરે મોરવા હડફ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 4 તારીખે બપોરના અરસામાં તેઓ પોતાનું મોપેડ વાહન લઇને ગોધરાથી મોરવા હડફ તરફ આવી રહ્યા હતાં. જે દરમ્યાન મોરવા હડફ તાલુકાના રસૂલપૂર ગામ પાસેના વળાંકમાં સામેથી પૂરઝડપે આવેલા બાઇકચાલકે નરવતસિંહની મોપેડ સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં નરવતસિંહ રોડ પર ફેંકાઈ જતા તેઓને પગના ભાગે તેમજ હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. જ્યારે મોપેડ પર પાછળ બેઠેલા વ્યક્તિને પણ નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને બાઈકચાલક બાઇક ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે અકસ્માત કરનાર ઇસમ સામે ગુનો નોંધીને તેઓની શોધખોળ હાથ ધરી છે.