ગોધરા,
પંચમહાલ જિલ્લામાં આજે રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગયા મહિને ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સમગ્ર દેશની માફક જિલ્લામાં પણ કોવિડ-૧૯ પ્રતિરોધક રસી મૂકવાના મહા અભિયાનની શરૂ આત કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષી ચૌહાણ ના જણાવ્યા અનુસાર પંચમહાલ જીલ્લામાં કોરોના રસીકરણની શરૂ આતને ૧ મહિનો થયો છે ત્યારે અગાઉ રસીકરણનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓને બીજો ડોઝ આપવાની કામગીરી આજથી ચાલુ કરી દેવામાં આવી છે.
- જિલ્લાના અગ્રણી ખાનગી-સરકારી તબીબો, આરોગ્ય કર્મીઓએ રસીનો બીજો ડોઝ લીધો.
- ૩૦૪ લાભાર્થીઓએ કોઈ ડર વગર રસીનો બીજો ડોઝ મૂકાવ્યો.
આજે નર્સીંગ કોલેજ સિવિલ હોસ્પિટલ ગોધરા, સામુહિક આરોગ્ય કેન્દ્ર હાલોલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર કાલોલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર શહેરા ખાતે સદર રસીકરણ કાર્યક્રમનો બીજા ડોઝનો શુભાંરભ કરવામાં આવ્યો હતો. જેમાં ગોધરાની નર્સીંગ કોલેજ ખાતે આર.એમ.ઓ. ડો. મયુરી શાહ, ડો. પીનલ ગાંધી, મનો ચિકીત્સક સિવિલ, ઈએમઓ ડો. બી. કે. પટેલ સહિતના સરકારી આરોગ્યઅધિકારીઓ-કર્મચારીઓ, તબીબો, ડો. અલી વંદેલીવાલા ફીજીશીયન પ્રાઇવેટ હોસ્પિટલ ગોધરા, ડો. સરવર વલી ગાયનેકોલોજીસ્ટ લારા મધર હેલ્થકેર હોસ્પિટલ ગોધરા, ડો. મહેન્દ્ર દેસાઇ, મનો ચિકીત્સક પ્રાઇવેટ હોસ્પિટલ ગોધરા, ડો. શ્યામસુંદર શર્મા પ્રેસીડેન્ટ આયુર્વેદીક એન્ડ હોમિયોપેથીક એસોસીએશન ગોધરા સહિતના ખાનગી ડોક્ટર્સ-હેલ્થ વોરિયર્સે ઉત્સાહપૂર્વક રસીનો બીજો ડોઝ મૂકાવ્યો હતો. આ ઉપરાંત ડો. સુલિન ત્રિવેદી અને ડો. રાજે ત્રિવેદી બાળરોગ નિષ્ણાંત ક્રિષ્ણા ચિલ્ડ્રન હોસ્પિટલ હાલોલ, ડો. પી. એન. બઆ જીલ્લા ક્ષય અધિકારી ગોધરા, ડો. પી. જે. જોષી તાલુકા હેલ્થ ઓફિસર હાલોલ જેવા પ્રતિષ્ઠિત અધિકારીઓએ સદર કોવિડ-૧૯ નો સદર રસીકરણ કાર્યક્રમનો બીજા ડોઝ લઇ જાહેર જનતાને કોઇપણ જાતના ડર રાખ્યા વગર અને અફવાઓમાં ન આવી આ કોરોના વેક્સીન લેવા માટે અપીલ કરી હતી. આજરોજ બીજા રાઉન્ડના રસીકરણ દરમ્યાન પંચમહાલ જિલ્લામાં ચાર સ્થળોએ કુલ ૩૦૪ જણને બીજો ડોઝ આપવાની કામગીરી પૂર્ણ થઈ હતી.