સાંસદે જ વન વિભાગની પોલ ખોલી નાખી:મને કહેતાં દુ:ખ થાય છે કે ફોરેસ્ટનું એકપણ વૃક્ષ ઊછરતું નથી :સાંસદ નારણ કાછડિયા

અમરેલી, અમરેલી જિલ્લામાં વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી દરમિયાન સાંસદ નારણ કાછડિયાએ વન વિભાગની કામગીરીને લઈ જાહેરમાં નારાજગી વ્યક્ત કરતાં કાર્યક્રમમાં સન્નાટો છવાયો હતો. ગુજરાતમાં એક સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલા વૃક્ષારોપણ કાર્યક્રમનાં વખાણ કર્યાં બાદ સાંસદે કહ્યું હતું કે મને કહેતાં દુ:ખ થાય છે કે ફોરેસ્ટનું એકપણ વૃક્ષ ઊછરતું નથી. વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં હાજર વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સાંસદે જાહેરમાં બરાબરનો ક્લાસ લઈ લેતાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો હતો.

અમરેલી જિલ્લામાં આયોજિત વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ જાહેરમાં કહ્યું હતું કે આપણે દર વર્ષે ૨ ટકા વૃક્ષ ઉછેર્યા હોત તોપણ આજે ૧૦૦ ટકા પર્યાવરણ થઈ ગયું હોત, પણ મારે દુ:ખ સાથે કહેવું પડે કે ફોરેસ્ટનું એકપણ વૃક્ષ ઊછરતું નથી.

તેમણે કહ્યું હતું કે કલેકટરની મુખ્યમંત્રી સાથે બેઠક થતી હોય છે. ત્યારે મુખ્યમંત્રીને કહેવું જોઈએ કે વનીકરણનું કામ સદભાવના જેવા ટ્રસ્ટને આપી દેવામાં આવે. તો ત્રણ માણસે એક વૃક્ષ નહીં પણ એક માણસે પાંચ વૃક્ષ થઈ જાય.

સાંસદે ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ટકોર કરતાં કહ્યું હતું કે તમે તમારા બીટગાર્ડને સૂચના આપજો. આઇ એમ સમથિંગ નહીં, પણ આઇ એમ હેલ્પફુલ કરાવો. કુદરતે આપણને જે હોદ્દો આપ્યો છે એનો સદુપયોગ થાય. ગમે એવડી પોસ્ટ પર હોય, આપણે આપણી વાસ્તવિક્તા નજર સામે રાખવી જોઈએ. તમે ખેડૂતોને ગાળો આપો એ કેટલા અંશે વાજબી છે. ખેડૂતોનું અપમાન ન થાય એનું યાન રાખજો.

અમરેલી જિલ્લાના લાઠીમાં યોજાયેલા વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સાંસદ નારણ કાછડિયા, લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા, કલેકટર અજય દહિયા, પાલિતાણા-શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયન પટેલ, ધારી ગીર પૂર્વ ડીસીએફ રાજદીપસિંહ ઝાલા સહિતના એસીએફ, આરએફઓ, ફોરેસ્ટ કર્મચારીઓ હાજર રહ્યા હતા.