ગુજરાત ટાઈટન્સનો ખેલાડી લવ જેહાદ વિશે પોસ્ટ કરી બરાબર ફસાયો, બાદમાં માંગી માફી

મુંબઇ, ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર યશ દયાલની એક પોસ્ટે ભારે હંગામો મચાવ્યો હતો. જે બાદ તેણે સોશિયલ મીડિયામાં હાથ જોડીને માફી પણ માંગી હતી. વાસ્તવમાં બોલર યશ દયાલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. જે ભૂતકાળમાં દિલ્હીમાં સાક્ષી હત્યા કેસ સાથે સંબંધિત હતી.

થોડા દિવસો પહેલા સાહિલ નામના વ્યક્તિએ ૧૬ વર્ષની સાક્ષીની ઘાતકી હત્યા કરી હતી. આરોપી સાહિલે સાક્ષી પર છરી વડે અનેક વાર હુમલો કર્યો, બાદમાં માથામાં પથ્થર પણ માર્યો હતો. સાક્ષીની હત્યાનો વીડિયો જોઈને આખો દેશ ચોંકી ગયો હતો. આ હત્યાકાંડ સાથે જોડાયેલી પોસ્ટ શેર કરીને યશ ફસાઈ ગયો હતો. તે ખરાબ રીતે ટ્રોલ થયો હતો અને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો.

હંગામાના થોડા સમય બાદ યશ દયાલે પોતાની જૂની પોસ્ટ ડિલીટ કરી દીધી અને બીજી પોસ્ટ શેર કરીને લોકોની માફી માંગી હતી. દયાલે કહ્યું કે તેણે ભૂલથી તે સ્ટોરી પોસ્ટ કરી હતી અને તે તેના માટે માફી માંગે છે. તેણે કહ્યું કે નફરત ન ફેલાવો. હું દરેક સમુદાય અને સમાજનું સન્માન કરુ છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૬મી સિઝનમાં યશ દયાલ ગુજરાત ટાઈટન્સ તરફથી રમ્યો હતો, જેમાં ગુજરાત અને કોલકાતા વચ્ચેની મેચ બાદ યશ ખૂબ ચર્ચામાં આવ્યો હતો. યશ દયાલને તેની એક ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સના રિંકુ સિંહે ૫ સિક્સ ફટકારી હતી. છેલ્લી ઓવરમાં કેકેઆરને ગુજરાત સામે જીતવા માટે ૨૮ રનની જરૂર હતી. જે બાદ હાર્દિક પંડયાએ યશ દયાલને બોલિંગ આપી હતી, જેમાં રિંકુએ તેની ઓવરમાં ૫ છગ્ગા ફટકારીને કેકેઆરને ઐતિહાસિક જીત અપાવી હતી.

દયાલે આઇપીએલ ૨૦૨૩માં માત્ર ૫ જ મેચ રમી હતી, જેમાં તેણે ૨ વિકેટ ઝડપી હતી. કેકેઆર સામેની મેચ બાદ દયાલને ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પુષ્ટિ કરી હતી કે પાંચ છગ્ગા ખાધા બાદ દયાલ બીમાર પડી ગયો હતો. એટલું જ નહીં તેનું વજન પણ ૭ થી ૮ કિલો ઘટી ગયું હતું.