નવીદિલ્હી, ડબ્લ્યુટીસી ૨૦૨૩ ફાઈનલમાં જ્યારે વિરાટ કોહલી મેદાન પર ઉતરશે તો ઘણા રેકોર્ડ તેની રાહ જોઈ રહ્યાં હશે. એક તો ગુરૂ રાહુલ દ્રવિડનો મહારેકોર્ડ છે, જેને કોહલી તોડી શકે છે. પરંતુ ઈંગ્લેન્ડની પડકારજનક પરિસ્થિતિમાં પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્કની હાજરીમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર તેની પરીક્ષા લેશે, પરંતુ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કોહલીને રોકવો સરળ નથી. આવો જાણીએ ક્યા-ક્યા રેકોર્ડ દાંવ પર લાગ્યા હશે.
વિરાટ કોહલીએ અત્યાર સુધી ૧૦૮ ટેસ્ટમાં ૮૪૧૬ રન બનાવ્યા છે, જો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ૧૨૫ રન બનાવવામાં સફળ રહે છે તો તે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ મહાન અને પોતાના પસંદગીના બેટરોમાંથી એક સર વિવિયન રિચર્ડ્સના ૮૫૪૦ ટેસ્ટ રનની ટેલીને પાર કરી જશે.
એટલું જ નહીં તેની પાસે પૂર્વ ભારતીય ઓપનિંગ બેટર વીરેન્દ્ર સેહવાગના ટેસ્ટ રનને પણ પાર કરવાની શાનદાર તક હશે. સેહવાગના નામે ટેસ્ટ ક્રિકેટમાં ૮૫૮૬ રન છે. કોહલીને પોતાના પૂર્વ સાથીથી આગળ નિકળવી માટે ૧૭૧ રન બનાવવા પડશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રાહુલ દ્રવિડના ટેસ્ટ રનને પછાડવાની તક છે. દ્રવિડ ઓસ્ટ્રેલિયન ટીમ માટે સૌથી ખતરનાક બેટરમાંથી એક છે. દ્રવિડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૬૦ ઈનિંગમાં ૨૧૪૩ રન બનાવ્યા, જેમાં બે સદી અને ૧૩ અડધી સદી સામેલ છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૪૨ ઈનિંગમાં ૧૯૭૯ રન બનાવ્યા છે. દ્રવિડનો રેકોર્ડ તોડવા માટે તેણે ૧૬૪ રન બનાવવા પડશે.
વિરાટ કોહલી જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની નજર ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં રિકી પોન્ટિંગના ૮ સદીના રેકોર્ડને તોડવા પર હશે. પોન્ટિંગ, કોહલી, સ્મિથ, સુનીલ ગાવસ્કરની સાથે આ યાદીમાં સંયુક્ત રૂપથી બીજા સ્થાને છે. સચિન તેંડુલકર ૧૧ સદીની સાથે ટોપ પર છે. જો કોહલી અને સ્મિથ સદી ફટકારે છે તો આ લિસ્ટમાં સચિન બાદ બીજા નંબરે પહોંચી જશે.