કાઠમંડુ, નેપાળમાં છેલ્લા એક દાયકામાં હિન્દુઓ અને બૌદ્ધોની વસ્તીમાં આંશિક ઘટાડો થયો છે જ્યારે મુસ્લિમો અને ખ્રિસ્તીઓની વસ્તીમાં નજીવો વધારો થયો છે. દેશની વસ્તી ગણતરીના રિપોર્ટમાં આ હકીક્ત સામે આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ડેમોગ્રાફી દ્વારા શનિવારે જાહેર કરાયેલ ૨૦૨૧ ની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ ૮૧.૧૯ ટકા હિંદુઓ સાથે હિંદુ ધર્મ નેપાળમાં પ્રભુત્વ ધરાવતો ધર્મ છે. દેશમાં ૨,૩૬,૭૭,૭૪૪ લોકો હિંદુ છે જ્યારે ૨૩,૯૪,૫૪૯ લોકો બૌદ્ધ છે.
બૌદ્ધ ધર્મ દેશનો બીજો સૌથી વધુ અનુસરવામાં આવતો ધર્મ છે અને બૌદ્ધો ૮.૨ ટકા છે. નેપાળમાં ઇસ્લામને માનનારા ૧૪,૮૩,૦૬૦ લોકો છે અને તેઓ કુલ વસ્તીના ૫.૦૯ ટકા છે. તે ત્રીજો સૌથી વધુ વ્યાપકપણે માન્ય ધર્મ છે. વસ્તીગણતરીના અહેવાલ મુજબ, છેલ્લા દાયકામાં હિંદુઓ અને બૌદ્ધોની વસ્તીમાં નજીવો ઘટાડો થયો છે જ્યારે મુસ્લિમ, ખ્રિસ્તી અને કિરાતોની વસ્તીમાં નજીવો વધારો થયો છે.
છેલ્લા દસ વર્ષમાં હિંદુઓ અને બૌદ્ધોની વસ્તીમાં અનુક્રમે ૦.૧૧ ટકા અને ૦.૭૯ ટકાનો ઘટાડો થયો છે જ્યારે મુસ્લિમ, કિરાત અને ખ્રિસ્તીઓની વસ્તીમાં અનુક્રમે ૦.૬૯, ૦.૧૭ અને ૦.૩૬ ટકાનો વધારો થયો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, દેશમાં ૮૧.૩ ટકા હિંદુ, ૯ ટકા બૌદ્ધ, ૪.૪ ટકા મુસ્લિમ, ૩.૧ ટકા કિરાત અને ૦.૧ ટકા ખ્રિસ્તી હતા.