મણિપુરમાં ફરી હિંસા, ધારાસભ્યના ઘરને આગ ચાંપી:કાકચિંગ જિલ્લામાં ૧૦૦ ઘરોને આગ લગાવી દીધી

ઇમ્ફાલ, મણિપુરમાં રવિવારે સાંજે ફરી હિંસા ફાટી નીકળી હતી. કાકચિંગ જિલ્લાના સેરો ગામમાં કેટલાક લોકોએ ૧૦૦ ઘરોને આગ ચાંપી દીધી હતી. કોંગ્રેસના ધારાસભ્ય રણજીત સિંહના ઘરને પણ આગ ચાંપી દીધી હતી. રાજ્યમાં ૩ મેથી મૈતેઈ અને કુકી સમુદાયના લોકો વચ્ચે હિંસા ચાલી રહી છે. હાલની ઘટનાને કયા સમુદાયના લોકોએ અંજામ આપ્યો તેની માહિતી મળી નથી.

રાજ્યમાં ૩ મેના રોજ હિંસા શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં ૯૮ લોકોના મોત થયા છે. જ્યારે ૩૧૦ લોકો ઘાયલ થયા છે. ૩૭ હજારથી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા. હિંસાને કારણે ૧૧થી વધુ જિલ્લા અસરગ્રસ્ત થયા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારે સાંજે કેટલાક લોકો સેરો ગામમાં આવ્યા હતા અને ધારાસભ્ય રણજીતના ઘરમાં તોડફોડ શરૂ કરી હતી. ધારાસભ્ય અને તેમના પરિવારનો આબાદ બચાવ થયો હતો. હિંસક ટોળાએ અનેક ઘરોને આગ ચાંપી દીધી હતી.

એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આગ લાગ્યા બાદ લોકોને ઘરોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેને રાહત શિબિરમાં લઈ જવામાં આવ્યો. બાદમાં ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી હતી. ટોળાએ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં તૈનાત બીએસએફની ટીમ પર પણ ગોળીબાર કર્યો હતો. પોસ્ટ પર મોર્ટાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હજુ સુધી કોઈ જવાન ઘાયલ થયો નથી. પોલીસને શંકા છે કે શકમંદોએ બીએસએફ ચોકી પર હુમલો કરવા માટે ચોરીના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન, સુરક્ષા દળો અને હિંસક ટોળા વચ્ચે ગોળીબારના અહેવાલો પણ મળ્યા હતા.

મણિપુરમાં ૩ મેના રોજ હિંસા ફાટી નીકળી હતી, એક મહિના પછી પણ જ્યારે રાજ્યમાં હિંસા અટકી નથી, ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહ ૨૯ મેના રોજ ચાર દિવસની મુલાકાતે મણિપુર પહોંચ્યા હતા. પ્રવાસના છેલ્લા દિવસે (૧ જૂન), શાહે મણિપુરમાં લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. હથિયારો રાખનારાઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે.

શાહે કહ્યું હતું કે સર્ચ ઓપરેશન ૨ જૂનથી શરૂ થશે. જો કોઈની પાસે હથિયારો હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પછી, બદમાશોએ હથિયારો સમર્પણ કરવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં કુલ ૨૦૨ હથિયારો સરેન્ડર કરવામાં આવ્યા છે. સરકારે હિંસાની તપાસ માટે ૩ સભ્યોના કમિશનની રચના કરી છે. તેનું નેતૃત્વ ગૌહાટી હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અજય લાંબા કરશે. કમિશન મણિપુરમાં હિંસાના કારણ, ફેલાવા, રમખાણોની તપાસ કરશે અને છ મહિનાની અંદર તેનો રિપોર્ટ આપશે.