રેલવે મંત્રીએ હાથ જોડીને ટ્રેનને રવાના કરી, ૫૧ કલાક પછી બાલાસોરમાં રેલ સેવા પુન:સ્થાપિત થઈ

નવીદિલ્હી, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે બાલાસોર અકસ્માત સ્થળની મુલાકાત લીધી અને ટ્રેનના પુન:સ્થાપનની સમીક્ષા કરી. અશ્ર્વિની વૈષ્ણવે સ્થળ પર રેલ્વે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તે જ સમયે, બહાનાગા સ્ટેશન પર ભીષણ ટ્રેન દુર્ઘટનાના ૫૩ કલાક પછી, આજે રાત્રે અપ અને ડાઉન બંને લાઇન પર ટ્રાફિક પુન:સ્થાપિત કરવામાં આવ્યો હતો. રાત્રે લગભગ ૧૦ વાગ્યે હલ્દિયા જતી કોલસા ભરેલી માલગાડી ડાઉન લાઇન પર ધીમી ગતિએ પસાર થઈ હતી. લગભગ દોઢ કલાક બાદ અપ લાઇન પર એક ખાલી માલગાડી પસાર થઇ હતી. આ પ્રસંગે રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ, રેલવે બોર્ડના અધ્યક્ષ અનિલ કુમાર લાહોટી અને તમામ વરિષ્ઠ અધિકારીઓ સ્ટેશન પાસે ઉભા હતા.

રેલ્વે મંત્રીએ ટ્રેનના છેડે લોકો પાયલોટ અને ગાર્ડને નમસ્કાર કર્યા હતા. આ પ્રસંગે રેલ્વે મંત્રી થોડા ભાવુક થઈ ગયા હતા અને તેમણે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના પણ કરી હતી અને કહ્યું હતું કે જે પરિવારોના લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે તેમના માટે હું ખૂબ જ દુ:ખી છું. પરંતુ અમે આ ઘટનાના મૂળ સુધી જઈશું. જે પણ દોષિત હશે તેને સખતમાં સખત સજા આપવામાં આવશે. કામગીરી ફરી શરૂ કરવા બદલ આપ સૌને અભિનંદન. બીજી લાઈન પણ જલ્દી શરૂ થવી જોઈએ.

રવિવારે જ રેલ્વે મંત્રી વૈષ્ણવે કહ્યું હતું કે દુર્ઘટનાનું મૂળ કારણ શોધી કાઢવામાં આવ્યું છે અને તેના માટે જવાબદાર લોકો ની ઓળખ કરવામાં આવી છે. તે (અકસ્માત) ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ અને પોઈન્ટ મશીનમાં કરવામાં આવેલા ફેરફારોને કારણે થયો હતો, તેમણે પત્રકારોને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દુર્ઘટનાનું કારણ રેલવે સિગ્નલ માટેના મહત્વપૂર્ણ ઉપકરણો ’પોઈન્ટ મશીન’ અને ’ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ’ સિસ્ટમ સાથે સંબંધિત છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે ’ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ’માં જે ફેરફાર થયો છે તેની ઓળખ કરી લેવામાં આવી છે.