ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ડબ્લ્યુટીસી ફાઈનલમાંથી બહાર:ભારત સામે ચાર વખત ૫ વિકેટ લીધી છે; નેસરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો

મુંબઇ, ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ઈજાના કારણે ભારત સામે ૭ જૂનથી રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે. ડબ્લ્યુટીસીની ફાઈનલ ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૭ જૂનથી લંડનના ઓવલ મેદાન પર રમાશે.

હેઝલવુડની જગ્યાએ ૩૩ વર્ષીય ફાસ્ટ બોલર માઈકલ નેસરને ઓસ્ટ્રેલિયા ટીમમાં જગ્યા મળી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. હેઝલવુડે ભારત સામે ચાર વખત એક ઇનિંગમાં ૫ વિકેટ લીધી છે.

હેઝલવુડ ૧૬ જૂનથી બમગહામમાં યોજાનારી પ્રથમ એશિઝ ટેસ્ટ માટે પસંદગી માટે ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઈલીએ કહ્યું હતું કે ’જોશ સંપૂર્ણ ફિટનેસથી થોડાક જ ડગલાં દૂર હતો પરંતુ અમે તેને રમાડીને જોખમ લેવા માગતા નહોતા.’

’કારણ કે આવનારા દિવસોમાં અમારે આ એકમાત્ર મેચ રમવાની નથી. કાઉન્ટી ક્રિકેટમાં પણ નેસરનું ફોર્મ પ્રભાવશાળી રહ્યું છે. હેઝલવુડને બહાર બેસાડવો એ સારો નિર્ણય હશે કારણ કે એશિઝ સિરીઝ પહેલા ટેસ્ટ મેચ પહેલા તેની પાસે ફિટ થવા માટે સારો સમય હશે.’જોકે, ટીમની પ્લેઇંગ-૧૧માં હેઝલવુડના સ્થાને મીડિયમ પેસર સ્કોટ બોલેન્ડને લેવાય તેની શક્યતા વધુ છે. ઓવલની પિચ બોલેન્ડની બોલિંગ માટે વધુ અનુકૂળ છે.

નેસર તાજેતરમાં ઇંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ગ્લેમોર્ગન તરફથી રમતા જોવા મળ્યો હતો. આ દરમિયાન નેસરે પાંચ મેચમાં ૧૯ વિકેટ ઝડપી હતી. તેણે સસેક્સ સામે બેટિંગમાં સદી પણ ફટકારી હતી, આ ટીમમાં તેનો ઓસ્ટ્રેલિયાનો સાથી ખેલાડી સ્ટીવ સ્મિથ પણ રમ્યો હતો.

નેસરે ડિસેમ્બર ૨૦૨૧માં એડિલેડમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ગયા વર્ષે ડિસેમ્બરમાં વેસ્ટઈન્ડિઝ સામે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. નેસરે તેની કારકિર્દીમાં અત્યાર સુધી માત્ર ૨ ટેસ્ટ અને ૨ વન-ડે રમી છે. તેણે ટેસ્ટમાં ૭ અને વન-ડેમાં ૨ વિકેટ ઝડપી છે.

ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ:

પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, માર્કસ હેરિસ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લાયન, ટોડ મર્ફી, માઇકલ નેસર , સ્ટીવ સ્મિથ (વાઇસ કેપ્ટન), મિચેલ સ્ટાર્ક અને ડેવિડ વોર્નર.