સુશાંતસિંહ અપમૃત્યુ કેસની તપાસ સીબીઆઇને સોંપવા સુપ્રીમનો આદેશ

સુપ્રીમ કોર્ટના મહત્ત્વનાં અવલોકન

  • સુશાંતના પિતાની ફરિયાદના આધારે બિહાર પોલીસે નોંધેલી એફઆઇઆર કાયદેસર, પટણા પોલીસ દ્વારા નોંધાયેલો કેસ સીબીઆઇને સોંપવાનો બિહાર સરકારને અધિકાર
  • સીબીઆઇ સુશાંત કેસમાં પટણા પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઇઆરની જ નહીં પરંતુ સુશાંતના કેસ સાથે સંકળાયેલી અન્ય કોઈપણ એફઆઇઆરની પણ તપાસ કરશે
  • મુંબઇ પોલીસે સુશાંતના મોતમાં એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધ્યો હતો તેથી તેની પાસે તપાસના મર્યાદિત અધિકાર છે જ્યારે બિહાર પોલીસે સંપૂર્ણ એફઆઇઆર નોંધીને કેસ સીબીઆઇને સોંપ્યો હોવાથી હવે સીબીઆઇએ તપાસ કરવી જોઈએ
  • મુંબઇ પોલીસ અત્યાર સુધી એકઠાં કરેલા તમામ પુરાવા અને દસ્તાવેજ સીબીઆઇને હવાલે કરે, મુંબઇ પોલીસે કેસની તપાસમાં સીબીઆઇને સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે, મહારાષ્ટ્ર સરકારે પણ સીબીઆઇને સહકાર આપવાનો રહેશે
  • સીબીઆઇએ હવે તપાસ માટે મહારાષ્ટ્ર સરકારની પરવાનગી લેવાની રહેશે નહીં, સીબીઆઇ ગમે તેની પૂછપરછ કરી શક્શે અને પુરાવા એકઠાં કરી શકશે

બોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ પર પૂર્ણવિરામ મૂકતાં સુપ્રીમ કોર્ટે બુધવારે કેસની તપાસ સીબીઆઇને હવાલે કરી હતી. સુપ્રીમ કોર્ટે બંધારણના આર્ટિકલ ૧૪૨ અંતર્ગત અદાલતને અપાયેલા અસામાન્ય બંધારણીય અધિકારનો ઉપયોગ કરતા ભવિષ્યમાં સુશાંત કેસને સંલગ્ન મુંબઇ પોલીસ સહિત કોઈપણ એજન્સી દ્વારા નોંધાનારી એફઆઇઆરની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાનો આદેશ આપ્યો હતો. ૩૫ પાનાંના ચુકાદામાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઋષિકેશ રોયની સિંગલ જજ બેન્ચે જણાવ્યું હતું કે, સુશાંતસિંહ રાજપૂત મુંબઇના ફિલ્મ ઉદ્યોગમાં ટેલેન્ટેડ અભિનેતા હતો અને તેની ક્ષમતાઓ સંપૂર્ણપણે જાણી શકાય તે પહેલાં તેનું મોત થયું છે. તેના મોતની આસપાસ રહેલા રહસ્યોની તપાસ થાય અને ઝડપથી તપાસનું પરિણામ બહાર આવે તેની રાહ તેનો પરિવાર, મિત્રો અને પ્રશંસકો જોઈ રહ્યાં છે જેથી તમામ પ્રકારની અટકળો પર પૂર્ણવિરામ મૂકી શકાય.

બિહાર પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઇઆરનો વિરોધ કરી રહેલી મહારાષ્ટ્ર પોલીસને આંચકો આપતાં જસ્ટિસ રોયે સુશાંતના પિતા દ્વારા બિહાર પોલીસ સમક્ષ નોંધાવાયેલી એફઆઇઆરને યોગ્ય ઠેરવી હતી પરંતુ સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે, સુશાંતના મોત સહિતની ચોક્કસ ઘટનાઓ મુંબઇમાં ઘટી હોવાથી મુંબઇ પોલીસ પણ આ કેસમાં તપાસનો અધિકાર ધરાવે છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, બિહાર અને મહારાષ્ટ્રની પોલીસ વચ્ચે આ કેસ મામલે પ્રવર્તતો તણાવ સ્પષ્ટ છે. બંને રાજ્યની સરકારો દ્વારા એકબીજા પર મુકાતા આરોપોથી સત્ય અને પીડિતને મળનારા ન્યાયને જ હાનિ પહોંચશે. તેમના દ્વારા તપાસની કાયદેસરતા પર ઉઠાવાયેલા સવાલો શંકાના વાદળો સર્જે છે. એક બીજા પર કાદવ ઉછાળવાની પ્રક્રિયા તપાસને અવળી દિશામાં વાળી રહી છે.

સુશાંતસિંહ અપમૃત્યુ કેસની તપાસ સીબીઆઇને સોંપવા સુપ્રીમનો આદેશ

અત્યારે મહત્ત્વની વાત એ છે કે, સુશાંતનું અકુદરતી મોત અન્ય ક્રિમિનલ કૃત્યોનું પરિણામ છે કે કેમ? ત્યારે  જસ્ટિસ રોયે જણાવ્યું હતું કે, આ કેસમાં મહારાષ્ટ્રને તપાસનો અધિકાર હોવાથી તે સંપૂર્ણ તપાસ માટે કેસ સીબીઆઇને ટ્રાન્સફર કરી શક્યું હોત. મહારાષ્ટ્ર સરકાર બિહારમાં નોંધાયેલી એફઆઇઆરના આધારે હાલની સીબીઆઇ તપાસને પડકાર આપી શકે છે તેથી આ ટકરાવને ટાળવા અદાલતે આર્ટિકલ ૧૪૨ અંતર્ગત તેને મળેલા વિશેષાધિકાર અંતર્ગત આ કેસમાં નોંધાયેલી તમામ અને ભવિષ્યમાં નોંધાનારી તમામ એફઆઇઆર સીબીઆઇને સોંપવાનો નિર્ણય કર્યો છે.

બિહાર પોલીસની તપાસને સમાંતર ગણાવતી મહારાષ્ટ્રની દલીલને નકારી કાઢતાં અદાલતે જણાવ્યું હતું કે, મુંબઇ પોલીસે હજુ આ કેસમાં એફઆઇઆર જ નોંધી નથી. તે ઉપરાંત કેટલાક કારણોસર બિહાર પોલીસ આ કેસમાં તપાસનો અધિકાર ધરાવે છે અને કેસ મુંબઇ ટ્રાન્સફર કરવા બંધાયેલી નથી.

મહારાષ્ટ્રના વકીલે કહ્યું, રિવ્યૂ પિટિશન દાખલ કરીશું, સુપ્રીમ કોર્ટના જજે કહ્યું, પહેલાં ચુકાદો તો વાંચો..!

મહારાષ્ટ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા વકીલે ચુકાદો આવતાં જ કોર્ટને જણાવ્યું હતું કે, અમે રિવ્યૂ પિટિશન દાખલ કરીશું. જવાબમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, પહેલાં તમે ૩૫ પાનાંનો આખો ચુકાદો તો વાંચો પછી રિવ્યૂ પિટિશન અંગે વિચારજો. અમે દરેક પાસાની ઝીણવટથી વિચારણા કરીને ચુકાદો આપ્યો છે. જસ્ટિસ રોયે સ્પષ્ટતા કરી હતી કે આ કેસમાં અદાલત દ્વારા સીબીઆઇ તપાસનો આદેશ આપવામાં આવે છે જેથી મહારાષ્ટ્ર સરકાર તેને પડકાર આપી શક્શે નહીં. તેથી હવે મુંબઇ પોલીસ આ કેસના તમામ દસ્તાવેજ અને પુરાવા સીબીઆઇને સોંપી દે.