૨૦ કલાકની મહેનત બાદ પણ માસુમ રોશનીને ન બચાવાઈ, વહેલી સવારે બોરવેલમાંથી મૃતદેહ નીકળ્યો

જામનગર, જામનગરમાં ગઈકાલે બે વર્ષની બાળકી ૨૫ ફૂટ ઊંડા બોરવેલમાં ફસાવાની ઘટના બની હતી. જેમાં એનડીઆરએફની ટીમની ૨૦ કલાકની મહેનત બાદ પણ બાળકીને બચાવી શકાઈ ન હતી. વહેલી સવારે બાળકીનો મૃતદેહ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના વંથલીમાં આ ઘટના બની હતી. વંથલી ગામની સીમમાં એક વાડી આવેલી છે. ખેતરમાં એક પરિવાર મજૂરીકામ કરી રહ્યો હતો. ત્યારે બાજુમાં તેમની બે વર્ષની માસુમ દીકરી રોશની રમી રહી હતી. રમતા રમતા રોશની અચાનક ૨૫ ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હતી. આ ઘટનાની જાણ થતા જ ખેતરમાં કામ કરતા અન્ય ખેતમજૂર પરિવારો સહિત તલાટી પણ વાડીમાં પહોંચી ગયા હતા. તમામે બાળકીને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓને નિરાશા મળી હતી. આખરે ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. હાલ બાળકીને બહાર કાઢવા માટે યુદ્ધધોરણે રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી હતી. જેના બાદ એનડીઆરએફની ટીમને મદદે બોલાવાઈ હતી.

લગભગ ૨૦ કલાક સુધી રોશનીને બચાવવાનું ઓપરેશન ચાલ્યુ હતું. મોડી રાતે NDRFની ટીમે કેમેરો ઉતારી બાળકીની સ્થિતિ જાણી હતી. જેમા બાળકીના બે હાથ જ માત્ર પાણીથી બહાર જોવા મળ્યા. માથું અને ધડ પાણીમાં હોય તેવી સ્થિતિમાં રોશની જોવા મળી હતી. એનડીઆરએફ દ્વારા બાળકીને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. પરંતુ આખરે રોશનીને બચાવી શકાઈ ન હતી. એનડીઆરએફની મદદથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. રોશનીને મૃત હાલતમાં બોરવેલમાંથી બહાર કઢાઈ હતી. વહેલી સવારે ૫:૪૫એ બાળકીને બહાર કાઢવામાં આવી હતી.

રોશની ગઈકાલે સવારે ૯:૩૦ વાગ્યે બોરવેલમાં પડી હતી. જેના બાદ બીજા દિવસે સવારે ૫.૪૫ કલાકે તેનો મૃતદેહ બહાર કઢાયો હતો. આમ, લગભગ ૨૦ કલાક રોશની બોરવેલમાં ફસાયેલી રહી હતી.