અમદાવાદ, ગુજરાતમાં આજે સવારથી વરસાદ આવ્યો છે. આ દરમિયાન ખેડા અને મોરબીથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ખેડાના ઠાસરાના શાહપુરા પાસે બાઇક ઉપર વૃક્ષ પડ્યું હોવાનુ સામે આવ્યું છે. આ ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. બાઇક પર વૃક્ષ પડતાં મહિલાનું ઘટનાસ્થળે જ તો પુરુષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ તરફ મોરબી જિલ્લાના ટંકારાના સખપર ગામે વિજળી પડતાં ખેત શ્રમીકનું મોત થયું છે.
ખેડા જિલ્લામાં વાવાઝોડા અને વરસાદી વાતાવરણ વચ્ચે બે વ્યક્તિના મોત થયા છે. વિગતો મુજબ ઠાસરાના શાહપુરા પાસે બાઇક ઉપર વૃક્ષ અચાનક વૃક્ષ પડ્યું હતું. બાઇક ઉપર ઝાડ પડતા બે બાઇક સવારના મોત થયા છે. જેમાં વૃક્ષ પડતા પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું તો પતિનું ડાકોર સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.
વિગતો મુજબ આ ઘટનામાં બંને પતિ-પત્નિના મોતને લઈ પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ પત્નીના મૃતદેહને પીએમ માટે ઠાસરા CHC માં લઇ જવાયો છે. આ સાથે પતિના મૃતદેહનું CHC ડાકોરમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ તરફ સમગ્ર મામલે ઠાસરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લાના ટંકારાના સખપર ગામે વિજળી પડતાં ખેત શ્રમીકનું મોત થયું છે. વિગતો મુજબ વરસાદથી બચવા પીપળના ઝાડ નીચે ઉભા હતા તે સમયે માથે વિજળી પડી હતી. આ તરફ વીજળી પડતા વિપુલભાઈને તાત્કાલિક સારવાર માટે પડધરી ખસેડાયા હતા. આ તરફ પડધરી સરકારી હોસ્પિટલ ખાતે ડોક્ટરે વિપુલભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી કાર્યવાહી શરુ કરી છે.