ગાંધીનગર, વિધાનસભાની ચૂંટણીની અદાવતમાં કોલવડાનાં ચકચારી મર્ડરનાં ગુનામાં વોન્ટેડ આરોપી ઘનશ્યામ જમાદાર સહિતની ગેંગ દ્વારા આજે વહેલી પરોઢિયે ગાંધીનગર કોંગ્રેસના અગ્રણી વીરેન્દ્રસિંહ ઉર્ફે અજીતસિંહ વાઘેલાના ઘરે તલવારો-ધોકા સહિતના ઘાતક હથિયારો સાથે આતંક મચાવી પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સેકટર-૨૧ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે.
ગાંધીનગરના સેકટર-૨૬ ન્યુ ગ્રીન સિટી સોસાયટીમાં રહેતા મૂળ વાસન મહાદેવ ગામના વતની કોંગ્રેસ અગ્રણી વીરેન્દ્રસિંહ ઉર્ફે અજીતસિંહ મફાજી વાઘેલા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમીતીના મહામંત્રી તરીકે કાર્યરત છે. વર્ષ-૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અજીતસિંહે ગાંધીનગર ઉત્તરની સીટ ઉપર કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવેલ હતી. આ ચૂંટણીના પ્રચાર દરમ્યાન કોલવડા ગામના ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ વાઘેલા પડદા પાછળ રહી ભાજપ પક્ષ તરફથી પ્રચાર કરી અજીતસિંહ વિરૂધમાં વ્યક્તિગત ખોટી અફવાઓ ફેલાવતો હતો. આથી અજીતસિંહે મિત્ર વર્તુળ મારફતે ઘનશ્યામ જમાદારને બીનજરૂરી ખોટો પ્રચાર નહી કરવા કહેડાવ્યું હતું. આ વાતને લઈને બંને વચ્ચે મનદુ:ખ થયું હતું.
ગઈકાલે રાત્રે અજીતસિંહ પરિવાર સાથે ઘરે હાજર હતા. એ વખતે રાત્રીના આશરે પોણા દશેક વાગ્યાના અરસામાં તેમના મોબાઇલમાં મીસ્ડકોલ-મેસેજ આવ્યો હતો. આથી તેમણે સામે ફોન કરતાં ઘનશ્યામસિંહ વાઘેલાએ ફોન ઉપાડેલ અને કહેલ કે, મારા વિરૂધમાં કેમ ચાલો છો, તમને ચૂંટણીમાં તો હરાવી દીધા છે અને ચૂંટણીમાં તમારો દીકરો પણ બહુ કુદતો હતો. પણ હવે તમને કોઇને છોડવાના નથી માર ખાવાની તૈયારી રાખજો તેવી ધમકી આપી હતી. આથી અજીતસિંહે પોલીસને જાણ કરી હતી.બાદમાં ફરીવાર ઘનશ્યામ જમાદારે ફોન કરીને કહેલ કે, હું મર્ડરનો વોન્ટેડ આરોપી છું અને હાલમાં હું ક્યાં છું તેની માહિતી આપું છું. તુ ક્યાં છે હું ત્યાં આવું છું આજે તને અને તારા છોકરાને છોડવા નથી. જેથી અજીતસિંહે કહ્યું કે, અત્યારે રાત્રે કોઇ ચર્ચા કરવી નથી સવારે વાત કરીશ. આ સાંભળીને ઘનશ્યામ જમાદાર જેમતેમ ગાળો બોલવા લાગતા અજીતસિંહે ફોન કાપી નાખ્યો હતો. બાદમાં તેઓ પરિવાર સાથે સૂઇ ગયા હતા. દરમ્યાન વહેલી સવારના આશરે ચારેક વાગ્યાના અરસામાં પ્રથમ માળની બારીનો કાચ તૂટવાનો અવાજ આવતા અજીતસિંહ જાગી ગયેલા અને જોયું તો ઘર ઉપર ઘનશ્યામસિંહ વાઘેલા તથા તેનો ભાઇ હમીરસિંહ તથા તેનો ભાણો દિવ્યરાજસિંહ ઉર્ફે દીલો ચાવડા તથા બીજા છ-સાત માણસો પથ્થરમારો કરી રહ્યા હતા. જેમના હાથમાં તલવારો અને ધોકા પણ હતા. આ ગેંગે બે ગાડીના કાચ તોડી નાખ્યા હતા.
જેઓ બેફામ ગાળાગાળી કરતાં હોવાથી આસપાસના લોકો જાગી ગયા હતા. જેનાં કારણે ઘનશ્યામ જમાદાર સહિતની ગેંગ અજીતસિંહને મર્ડર ની ધમકીઓ આપી ફોરચ્યુનર અને ક્રેટા ગાડીમાં નાસી ગયા હતા. આ મામલે અજીતસિંહની ફરિયાદના આધારે સેકટર-૨૧ પોલીસે ચકચારી મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી ઘનશ્યામ જમાદાર સહિતની ગેંગ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના કોલવડામાં હનુમાનજી મંદિર પાસે દસ મહિના પહેલા દિલીપસિંહ વાઘેલાને ગોળી મારી તીક્ષ્ણ હથિયારના આઠ થી દસ ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેવાઈ હતી. આ પ્રકરણમાં ગાંધીનગર ભાજપના વોર્ડ નંબર – ૭ ના તત્કાલીન મહિલા કોર્પોરેટર સોનલબા વાઘેલાના પતિ એવા સસ્પેન્ડ પોલીસ જમાદાર ઘનશ્યામસિંહ વાઘેલાએ અગાઉની અંગત અદાવતમાં મરનારના પિતરાઈ ભાઈને ૨૦ લાખની લાલચ આપી ટીપ મેળવી હતી અને સોપારી આપી સાગરિતો મારફતે હત્યાને અંજામ આપવાનું કાવતરૂ ઘડી કાઢવામાં આવ્યું હતું. બાદમાં આયોજન પૂર્વક પ્રભાતજી ડાભી, વિપુલ ઠાકોર ઉર્ફે ટેણીયો તથા પ્રકાશ બારોટ ઉર્ફે ગઠીયો ઉર્ફે રઘુ સાથે દિલીપસિંહની હત્યા કરવા કોલવડા આવ્યા હતા. તે વખતે દિલીપસિંહે ફોન કરીને પિતરાઈ ભાઈ ધર્મેન્દ્રને સિગારેટ, પત્તાની કેટ અને ચવાણું આપી જવા કહ્યું હતું. જે સામાન આપીને ધર્મેન્દ્રએ દિલીપસિંહની ટીપ આપી દેતા ઉક્ત આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગોળી મારીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.