રાજ્યના કલોલ, ગાંધીનગરના ૧૨ ગામમાં જુદા જુદા દિવસોએ વીજ પુરવઠો બંધ રહેશે

ગાંધીનગર, આગામી વરસાદી દિવસોને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્રો દ્વારા સજ્જતા કેળવવાનું શુરુ કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા જિલ્લામાં વિવિધ સબ સ્ટેશન પર સમારકામ હાથ ધરવામાં આવનાર હોવાથી કલોલના ૧૦ અને ગાંધીનગરના બે શહેરી વિસ્તારમાં આવતા ગામોમાં વીજળીને પુરવઠો જુદા જુદા દિવસોએ સવારે ૭ વાગ્યાથી લઇને બપોરે ૧૨ વાગ્યા સુધી ૫ કલાક માટે બંધ રખાશે.

ઉતર ગુજરાત વીજ કંપનીના ઇજનેરી સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે તારીખ ૫મી જુનથી તારીખ ૨૯મી જુન દરમિયાન ચાલનારી સમારકામની આ કામગીરી અંતર્ગત ૧૧ કિલોવોટથી લઇને ૬૬ કિલોવોટ ક્ષમતાના ફીડરો ધરાવતા ૨૪ સબ સ્ટેશનને આવરી લેવામાં આવનાર છે. તેમાં કલોલ શહેર સહિત કલોલ તાલુકાના ૧૦ સબ સ્ટેશન અને ગાંધીનગરમાં બે સબ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના પગલે પાંચ કલાક માટે વિજળીનો સપ્લાય બંધ કરવામાં આવશે પરંતુ સમારકામ પુર્ણ થવાની સાથે કોઇ આગોતરી જાણ કરાયા વગર જ વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે.

જે સબ સ્ટેશનમાં સમારકામ હાથ ધરવામાં આવનાર છે. તેમાં કલોલ શહેર અને સોજા ગામમાં તારીખ ૫મીએ, કલોલના કરજીસણ અને ધાનોત ગામે તારીખ ૮મીએ, કલોલના સાંતેજમાં તારીખ ૧૨મીએ, કલોલના વેડામાં તારીખ ૧૯મીએ, ગાંધીનગરના પેથાપુરમાં પણ તારીખ ૧૯મીએ, ગાંધીનગરના અડાલજમાં તારીખ ૨૧મીએ, કલોલના ધોલાસણ ગામે તારીખ ૨૨મીએ, કલોલના ઇટલા ગામ અને વડસર ગામે તારીખ ૨૬મીએ અને કલોલના મંડાલી સબ સ્ટેશનમાં તારીખ ૨૯મી જુનના રોજ સમારકામ હાથ ધરવામાં આવનાર છે.