રજનીકાંત ફિલ્મ ’લાલ સલામ’ના શૂટિંગ માટે પુડુચેરી પહોંચ્યા, હજારો ચાહકોએ તેમનું સ્વાગત કર્યું

પુડુચેરી, સુપરસ્ટાર રજનીકાંત ૭૨ વર્ષની ઉંમરે પણ બ્રેક લીધા વિના શૂટિંગ કરી રહ્યા છે. ભૂતકાળમાં ફિલ્મ ’જેલર’નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ હવે તેમણે તેમની આગામી ફિલ્મ ’લાલ સલામ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. રજનીકાંત તાજેતરમાં જ ફિલ્મ માટે તેમના ભાગનું શૂટિંગ કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં હજારો ચાહકોએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમની ફિલ્મના સેટ પરથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જેવી ચાહકોને ખબર પડી કે રજનીકાંત ફિલ્મના શૂટિંગ માટે ત્યાં આવી રહ્યા છે, તેઓ બધા તેમની ફિલ્મના સેટ પર એક ઝલક જોવા માટે એકઠા થઈ ગયા. રજનીકાંત સેટ પર પહોંચ્યા કે તરત જ ચાહકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. ચાહકો તરફથી મળેલો આ પ્રેમ જોઈને રજનીકાંત પણ કારનું સનરૂફ ખોલીને બહાર આવી અને હાથ જોડી અભિવાદન સ્વીકાર્યું.

ગયા મહિને રજનીકાંતે મુંબઈમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ સાથે ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં કપિલ મહત્વની ભૂમિકામાં છે. મેર્ક્સે આ ફિલ્મનો રજનીકાંતનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. આ ફિલ્મનું નિર્દેશન રજનીકાંતની પુત્રી ઐશ્ર્વર્યા કરી રહી છે. તે ૭ વર્ષ બાદ દિગ્દર્શનના ક્ષેત્રમાં પરત ફરી રહી છે.