નવીદિલ્હી, ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ WTCની ફાઈનલ મેચ ૭ જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. તેણે છેલ્લે ૨૦૨૧માં ન્યૂઝીલેન્ડ સામે ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ચેમ્પિયનશિપની ૨૦૨૧-૨૩ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેઓ પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પાછળ બીજા સ્થાને છે. જો કે ઓવલ મેદાન પર બંને ટીમોનો જીતનો રેકોર્ડ બહુ સારો રહ્યો નથી.
જણાવી દઈએ કે છેલ્લા ૮૭ વર્ષમાં ઓવલ ખાતે માત્ર બે ટેસ્ટ મેચ જીતી શક્યું છે. ભારતીય ટીમે તેની પહેલી ટેસ્ટ મેચ વર્ષ ૧૯૩૬માં ઓવલ મેદાન પર રમી હતી અને ટીમ આ મેચ હારી ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ ઓવલ મેદાન પર ૧૪ ટેસ્ટ મેચ રમીને બેમાં જીત મેળવી છે જ્યારે પાંચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. તેણે સાત ટેસ્ટ ડ્રો રમી છે. ભારતને ૧૯૭૧માં ઓવલ મેદાન પર પ્રથમ જીત મળી હતી. ત્યારબાદ કેપ્ટન અજીત વાડેકરની ટીમે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. જે બાદ કોહલીની કેપ્ટનશિપમાં ટીમને ૨૦૨૧માં જીત મળી હતી.
ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્ર્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઈશાન કિશન, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત, રવિચંદ્રન અશ્ર્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ.