દાહોદ,
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત કરતાની સાથે જ જૂના જોગીઓ માં ભારે નિરાશા વ્યાપી છે. ત્યારે બીજી તરફ દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૦૩ અને ૦૫ ના બે કોર્પોરેટરો તેમજ એક આગેવાને ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમના આરંભ સાથે જ રાજકીય માહોલ સતત ઘરમાં આવ્યો છે. ત્યારે આજરોજ દાહોદમા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરતાની સાથે જ એક તરફ ખુશી તો બીજી તરફ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂના જોગીઓની આ વખતે ટિકિટ કપાતા બળવાના એંધાણો પહેલાથી જ જોવા મળી રહ્યા હતા. ત્યારે જૂના જોગીઓના નામ આ યાદીમાંથી કપાતાની સાથે જ જૂના જોગીઓ તેમજ તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૦૩ ના પૂર્વ કોર્પોરેટર કાઈદ ચુનાવાલા અને વોર્ડ નંબર ૦૫ માંથી ભરતભાઈ બચાણી તેમજ ગોદીરોડના ભાજપના કાર્યકર્તા રાજા વસીમ મલેક ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાઇ જતાં દાહોદના ભાજપ રાજકારણમાં સ્તબ્ધતા સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ જાણવા મળ્યા અનુસાર, અરવિંદ ચોપડા ને પણ ટિકિટ નહીં મળતા આ વખતે તેઓ પણ ભારે નારાજ થયા છે અને ભાજપ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ચૂંટણી પહેલા દાહોદ શહેર સહિત જિલ્લામાં ભાજપ પાર્ટીમાં ગાબડું પડવાના એંધાણો સાથે સાથે પાર્ટીને નુકસાન થનાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.