પાકિસ્તાનમાં ઇમરાન ખાનનું ભાષણ ન બતાવવા મીડિયા સંસ્થાઓને આદેશ

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સરકાર અને સેના વિરુદ્ધ બોલવું ઈમરાન ખાન ભારે પડી રહ્યું છે. સેનાપ્રમુખ જનરલ અસીમ મુનીરે પાકિસ્તાનની મીડિયા સંસ્થાઓને ઈમરાન ખાનનું ભાષણ ન બતાવવા સ્પષ્ટ આદેશ આપ્યો છે. કોઈ સમાચારમાં ઇમરાનના નામનો ઉલ્લેખ ન કરવા તાકીદ કરાઈ છે.

રિપોર્ટ મુજબ આ અઠવાડિયાની શરૂઆતમાં ઇસ્લામાબાદમાં મુખ્ય મીડિયા સંસ્થાઓના માલિકો સાથેની બેઠકમાં સેનાપ્રમુખ જનરલ અસીમ મુનીરે ઇમરાન ખાન સાથે સંબંધિત કોઈ પણ કવરેજને રોકવાનો નિર્દેશ આપ્યો હતો.

સેનાપ્રમુખના આદેશ પર ઈમરાન ખાન વિરુદ્ધ સેનામાં બળવો ભડકાવવાનો કેસ દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે. પાકિસ્તાનની સેનાએ દેશની મીડિયા ચેનલોને ઈમરાન ખાનને ન બતાવવાની કડક સૂચના આપી છે. દેશના અડધા ડઝનથી વધુ પત્રકારો પણ આ વાતની પુષ્ટિ કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સેના અને શહબાઝ શરીફ સરકાર પાકિસ્તાનમાં ત્યારે જ ચૂંટણી કરાવશે જ્યારે પીટીઆઈ ચીફ જેલમાં હશે. આવી સ્થિતિમાં ઈમરાન ખાન ચૂંટણી લડી શકશે નહીં અને તેમની રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે.