લખનૌ, લખનઉમાં મેમાં અંદાજે ૨૧ લાખ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. લખનઉ મેટ્રોની સ્થાપના થયા બાદથી અત્યાર સુધીમાં સૌથી વધુ માસિક મુસાફરો મે ૨૦૨૩માં નોંધાયા છે. ૩૧ દિવસમાં લખનઉ મેટ્રોમાં ૨૦.૯૩ લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો. આ અગાઉ ડિસેમ્બર ૨૦૨૨માં સૌથી વધુ માસિક મુસાફરોની સંખ્યા ૨૦.૪૭ લાખ નોંધાઈ હતી.
યુપીએમઆરસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસો અને ઓટો રિક્ષાના ભાડાં અને કાળઝાળ ગરમીએ મેટ્રોને એવા મુસાફરોમાં પસંદગીનો વિકલ્પ બનાવ્યો છે, જેઓ ઝડપી અને એર-કન્ડિશન્ડ સેવા પસંદ કરે છે.
રિપોર્ટ રાઇડરશિપ ડેટા દર્શાવે છે કે, ૩૦ મેના રોજ લખનઉ મેટ્રોમાં ૭૯,૬૫૬ મુસાફરો નોંધાયા હતા. જોકે, ૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ, યુપીએમઆરસીએ ૯૧,૮૩૪ રાઇડર્સની નોંધણી કરી, જે શહેરમાં મેટ્રો સેવામાં અત્યાર સુધીની સૌથી વધુ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, જાગૃતિ ઝુંબેશ, નાના પાયે ઉદ્યોગપતિઓના કાર્નિવલ , જન્મદિવસની ઉજવણી, મેટ્રો પરિસરમાં યુગલો માટે લગ્ન પહેલાના શૂટોએ નાગરિકોમાં જાહેર પરિવહનની છબીને વેગ આપ્યો છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા, યુપીએમઆરસીમેનેજિંગ ડિરેક્ટર સુશીલ કુમારે જણાવ્યું હતું કે, આ આંકડો લખનઉ મેટ્રોમાં મુસાફરોનો વિશ્ર્વાસ દર્શાવે છે. આ સેવા ભવિષ્યમાં પણ મુસાફરોને સ્વચ્છ, સલામત, અનુકૂળ, સુલભ અને ઝડપી મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાનું ચાલુ રાખશે.