દાહોદના મોટી મહુડી ગામે બાઈક ઉપર જતાં દંપતિને લુટારૂઓએ રોકી મારમારી દાગીનાની લુંટ ચલાવી દંપતિ પૈકી પત્નીનું મોત નિપજાવ્યું.

દાહોદ, દાહોદ જીલ્લાના મોટી મહુડી ગામે એક દંપતિ મોટરસાઈકલ પર સવાર થઈ પોતાના ઘરે જઈ રહ્યો હતો તે સમયે રસ્તામાં કેટલાંક લુંટારૂઓએ દંપતિને રોકી ઢોર માર માર્યા બાદ દંપતિ પાસેથી સોના, ચાંદીના દાગીનાની લુંટ ચલાવી દંપતિ પૈકી પત્નિને લુંટારૂઓએ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતાં પંથક સહિત જીલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે તાબડતોડ દોડી ગયેલ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપી લુંટારૂઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

દાહોદ જીલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી મર્ડરની ઘટનાઓ સામે આવી રહી છે. બે દિવસની અંદર લગભગ પાંચ લોકોના મર્ડર થયાંનું સામે આવી રહ્યું છે ત્યારે લુંટ વીથ મર્ડરની વધુ એક ઘટના સામે આવી છે જેમાં ઝાલોદ તાલુકાના મોટી મહુડી ગામેથી એક મોટરસાઈકલ પર સવાર થઈ સાંજના સમયે ઝાલોદ તાલુકાના ધોળા ખાખરા ગામે રહેતાં શૈલેષભાઈ ડામોર તથા તેમની પત્નિ લલીતાબેન બંન્ને જણા પોતાના ઘરે જઈ રહ્યાં હતાં તે સમયે રસ્તામાં કેટલાંક લુંટારૂઓએ દંપતિને રોકી માર મારવા લાગ્યાં હતાં અને દંપતિ પાસેથી સોના, ચાંદીના દાગીનાની લુંટ કરી હતી ત્યારે દંપતિ પૈકી લલીતાબેનને લુંટારૂઓએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટનાની જાણ સ્થાનીક ગ્રામજનો તેમજ દંપતિના પરિવારજનોને થતાં તમામ ઘટના સ્થળે દોડી ગયાં હતાં જ્યાં ગંભીર ઈજાગ્રસ્ત દંપતિને પ્રથમ લીમડીના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતાં જ્યાં બંન્નેની તબીયત નાજુક હોવાને કારણે સ્થાનીક હોસ્પિટલના તબીબો દ્વારા વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવાનું કહેતાં પરિવારજનો દ્વારા દંપતિને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવ્યાં હતાં જ્યાં સારવાર મળે તે પહેલાં દંપતિ પૈકી પત્નિનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્થાનીક પોલીસ સહિત દાહોદ જીલ્લા પોલીસ વડાને થતાં પોલીસ કાફલો મોટી મહુડી ગામે તેમજ ચાકલીયા પોલીસ મથકે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ તપાસ કરતાં સ્થળ પરથી દંપતિની મોટરસાઈકલ મળી આવી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધવાની તજવીજ સાથે આરોપીઓને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે ત્યારે જાણવા મળ્યાં અનુસાર, પતિ હાલ પણ બેહોશ હાલતમાં છે. ઘટનાને પગલે મૃતક મહિલાના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.