ટોરેન્ટો, ભારતના છાત્રાનો કેનેડામાં કાર્યરત વેશ્યાલયોના દલાલો શિકાર બનાવી રહ્યા છે. આ દલાલોને સ્થાનિક ભાષામાં ’પિમ્પ્સ’ કહેવામાં આવે છે. તેઓ અહીં ગ્રેટર ટોરોન્ટો એરિયામાં શૈક્ષણિક કેમ્પસ, બસ સ્ટોપ, કાર્યસ્થળો અને પૂજા સ્થાનો પર પણ મળી શકે છે. જેઓની નજર ભારતીય છાત્રો પર રહે છે. જેઓ પૈસા માટે કંઈપણ કરવા તૈયાર હોય. હાલમાં કેનેડામાં રોજગારીની સમસ્યાઓને કારણે દલાલો સક્રિય થયા છે.
કેનેડામાં વેશ્યાલયના દલાલો ગ્રેટર ટોરોન્ટો એરિયા (જીટીએ)માં, શૈક્ષણિક કેમ્પસ, બસ સ્ટોપ, કાર્યસ્થળો અને પૂજા સ્થાનો પર પણ છોકરીઓને શોધે છે, જ્યાં અન્ય દેશોમાંથી અભ્યાસ માટે આવેલી છોકરીઓ અભ્યાસ કરે છે. જીટીએમાં ભારતીય વિદ્યાર્થીનીઓનું સેક્સ ટ્રાફિકિંગ ઝડપથી વધી રહ્યું છે. આનું દુ:ખદ પાસું એ છે કે આ યુવતીઓનું શોષણ કરનારા પિમ્પ્સ પણ ઈન્ડો-કેનેડિયન સમુદાયના છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ૧૮ વર્ષની ભારતીય વિદ્યાર્થીનીને વેશ્યાવૃત્તિમાં ધકેલવા બદલ ત્રણ ઈન્ડો-કેનેડિયન યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો ’ઓનલાઈન સેક્સ સર્વિસ’ ચલાવતા હતા.
ટોરોન્ટોમાં આવી પીડિત વિદ્યાર્થીનીઓને મદદ કરવા માટે એલ્સપેથ હેવર્થ સેન્ટર ચલાવતી સુંદર સિંહ કહે છે કે એક દલાલ એક છોકરી પાસેથી વર્ષે સરેરાશ ૨.૩ લાખ ડોલર કમાય છે. ભારતીય રૂપિયામાં આ રકમ ૨ કરોડ રૂપિયા થાય છે. છોકરીને આમાંથી કશું મળતું નથી. તેને માત્ર ભોજન અને રહેવાની જગ્યા આપવામાં આવે છે. હકીક્તમાં તે તેમની બંધક બનીને રહી જાય છે. તે કહે છે કે ભારતીય વિદ્યાર્થીનીઓનું વધતું શોષણ અમારા માટે ચિંતાનો વિષય છે. દેહવ્યાપારમાં ફસાવવા માટે માત્ર એક રાત જ કાફી છે. વેશ્યાલયોના દલાલો પહેલાં જે યુવતીઓને ફસાવે છે તેમના પરિવારજનોની સંપૂર્ણ માહિતી લે છે અને પછી તેમને બ્લેકમેલ કરવાનું શરૂ કરે છે. છોકરીઓ પાસે આત્મસમર્પણ સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.
બ્રેમ્પટનમાં રહેતી એક વૃદ્ધ ઈન્ડો-કેનેડિયન મહિલાના જણાવ્યા અનુસાર, તેની ફેમિલી નર્સે તેને કહ્યું કે તે દર મહિને ૧૦-૧૨ ભારતીય વિદ્યાર્થીનીઓનો ગર્ભપાત કરાવે છે. પહેલા આવું નહોતું. હવે આ બાબતોમાં ઉછાળો આવ્યો છે. એવું પણ માનવામાં આવે છે કે ઘણી છોકરીઓ જાણીજોઈને પોતાના ખર્ચને પહોંચી વળવા આ ધંધામાં આવી રહી છે.
સુંદર સિંહનું કહેવું છે કે કેનેડા આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી ૯૦ ટકા વિદ્યાર્થીનીઓ છે. તેમાંથી મોટાભાગની પંજાબની પણ છે. મોટા પશ્ર્ચિમી શહેરની સંસ્કૃતિ આ છોકરીઓ માટે સંપૂર્ણપણે અજાણી છે અને તેઓ સરળતાથી દલાલની જાળમાં ફસાઈ જાય છે.સુંદર સિંહના કહેવા પ્રમાણે, તેમનું એલ્સપેથ હેવર્થ સેન્ટર આ છોકરીઓને મુક્ત કરવામાં મદદ કરે છે. તેમને કૌશલ્ય વિકાસ માટે તાલીમ આપવામાં આવે છે. આ સાથે, તેઓ સરળતાથી કેનેડામાં ઇં ૬૦૦ ની રોજની નોકરીથી આસાનીથી મેળવી શકે છે. તેમનું આ કેન્દ્ર ૧૯૯૨ થી કેનેડામાં કાર્યરત છે.